- ભાજપના ઉમેદવારો માટે વિશાળ બાઇક રેલીનું આયોજન
- સી.આર.પાટીલની સભાના સ્થળ દરિયાપુર ખાતે 7 વાગ્યે રેલી પહોંચી
- રેલીમાં ભાજપના હજારો કાર્યકર ઉમટયા
અમદાવાદઃ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી આવતા રવિવારે યોજાનાર છે, ત્યારે છેલ્લા રવિવારે તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ અસારવા વોર્ડના ભાજપના ઉમેદવારો માટે વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટયા હતાં. આ રેલી બપોરે 04:00 કલાકે શરૂ થઈ હતી. જેમાં અસારવા વોર્ડના ચમનપુરા ચકલાથી શરૂ થઈને લગભગ 33 જેટલા સ્થળોએથી પસાર થઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સભા હતી તે દરિયાપુર ખાતે 7 વાગ્યે પહોંચી હતી. જો કે પ્રદિપસિંહ જાડેજા સભામાં સામેલ થયા નહોતાં જ્યારે કાર્યકરો સભામાં સામેલ થયા હતાં.
રેલીમાં પથ્થરમારો કરવાની ધમકી મળી
લઘુમતી સમુદાય અને કોંગ્રેસના ગઢ સમાન દરિયાપુરમાં ભાજપની સભા અને રેલીમાં પથ્થરમારો કરવાની ધમકી કુંજલ પટેલ નામના વ્યક્તિએ આપી હતી. આરોપી સામે દરિયાપુર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી છે. ધમકીને પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરી દિધો હતો.
કોરોના ગાઈડલાઈનનો ભંગ
આશ્ચર્યજનક રીતે રાજ્યના ગૃહપ્રધાનની રેલીમાં હજારો ભાજપના કાર્યકરો જોડાયા હતાં. જેથી પ્રશ્નો સર્જાયા હતા કે, લગ્નમાં 200 વ્યક્તિઓને જ જવાની પરવાનગી છે ત્યારે ચૂંટણીમાં કોઈને કોરોના નડતો નથી. બાદમાં પ્રદિપસિંહ મુખ્યપ્રધાનની તબિયત લથડતા તેમના ખબર-અંતર મેળવવા યુ.એન. હોસ્પિટલ ખાતે જવા રવાના થયા હતાં.