ગાંધીનગર : લોકડાઉનમાં કોઈપણ વ્યક્તિ ભૂખી ના રહેવી જોઈએ તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગરીબો અને એપીએલ કાર્ડધારકોને મફતમાં રાશન આપવાની એપ્રિલ મહિનાથી શરૂઆત કરી હતી. જ્યારે મે મહિના પણ રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ જાહેરાત કરી હતી. પરંતુ અમદાવાદમાં લોકડાઉન હોવાના કારણે એપીએલ કાર્ડધારકોને રાશન વિતરણ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી, જે હવે 18મીથી 23મી સુધી APL કાર્ડધારકોને રાશન આપવામાં આવશે.
અમદાવાદમાં APL કાર્ડ ધારકોને મફતમાં રાશન આપવા બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં લોકડાઉન હોવાના કારણે એપીએલ કાર્ડધારકો માટેની રાશન વિતરણ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ એ સમયમર્યાદા પૂર્ણ થતાં હવે 18મીના રોજ એપીએલ કાર્ડધારકોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું રાશનમાં આપવામાં આવશે. આ સાથે જ અશ્વિની કુમારે જાહેરાત કરી હતી કે, એન.એફ.એસ.એ કાર્ડ ધારકોને 17 મેથી ડબલ જથ્થો આપવામાં આવશે. આ વિતરણ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં 17 મે થી 24 મે સુધી કરવામાં આવશે. જેમાં કાર્ડના અંક પ્રમાણે જ વિતરણ કરવામાં આવશે.
જ્યારે અમદાવાદના એ.પી.એલ. કાર્ડ ધારકો માટેની જાહેરાત કરતા અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, જે કાર્ડધારકોના છેલ્લા અંક પ્રમાણે વિતરણ કરવામાં આવશે. જે નીચે મુજબ છે.
• 18 મેના રોજ 1 અને 2 અંક છેલ્લે હોય તેવા કાર્ડધારકો
• 19 મેના રોજ 3 અને 4 અંક છેલ્લે હોય તેવા કાર્ડધારકો
• 20 મેના રોજ 5 અને 6 અંક છેલ્લે હોય તેવા કાર્ડધારકો
• 21 મેના રોજ 7 અને 8 અંક છેલ્લે હોય તેવા કાર્ડધારકો
• 22 મેના રોજ 9 અને 0 અંક છેલ્લે હોય તેવા કાર્ડધારકો
જ્યારે કોઇપણ કારણોસર બાકી રહી ગયા હોય તેવા એપીએલ કાર્ડધારકોને 23 મેના રોજ આપવામાં આવશે.
• ગુજરાતથી કેટલી શ્રમિક ટ્રેન ઉપડી
શ્રમિક સ્પેશિયલ ટ્રેન બાબતે અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, ગઈકાલ રાત સુધીમાં 349 જેટલી શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી છે. જ્યારે આજે વધુ 41 ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે જ આજ રાત સુધીમાં ગુજરાતમાંથી કુલ 5.36 લાખ શ્રમિકો પોતાના વતન પરત હશે.
ગુજરાતમાંથી ક્યાં કેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ગઈ
• ઉત્તરપ્રદેશ 241
• બિહાર 37
• ઓરિસ્સા 32
• મધ્યપ્રદેશ 21
• ઝારખંડ 9
• છત્તીસગઢ 4
• ઉત્તરાખંડ 3
• રાજસ્થાન અને મહારાષ્ટ્ર 1-1