- રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કોવિડ કેર સેન્ટરનો કરાવ્યો પ્રારંભ
- કોરોના રસીકરણ મહાઅભિયાનમાં સમગ્ર ભારતમાં ગુજરાત મોખરેઃ પ્રદિપસિંહ જાડેજા
- રાજ્યમાં ઓક્સિજનનો વપરાશ 11,150 મેટ્રિક ટને પહોંચ્યો
અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં ઘાસીરામ ચૌધરી ભવનમાં રિદ્ધિ-સિદ્ધિ કોવિડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવિડ મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. તેથી જ સમગ્ર ભારતમાં રસીકરણ મહાઅભિયાનમાં ગુજરાત રાજ્ય 20 ટકા સાથે મોખરે છે. પ્રજાને સુરક્ષા-કવચ પૂરુ પાડવામાં રાજ્ય સરકાર ક્યારેય પાછી પાની નહીં કરે તેમ જણાવતા કહ્યું કે, સમગ્ર રાજ્યમાં કોવિડ વેક્સિનેશનના લક્ષ્યાંકને પાર પાડવા માટે રાજ્ય સરકારે વધુ અઢી કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.
આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી
કોવિડ કેર સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કોવિડના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા સંખ્યાબંધ પગલાઓની વિગતો આપતા કહ્યું હતું કે, એપ્રિલ મહિનામાં સમગ્ર રાજ્યમાં સાત લાખથી વધુ રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો રાજ્ય સરકારે વિના મૂલ્યે પૂરો પાડ્યો છે. ગૃહ રાજયપ્રધાને કોવિડ બેડની સંખ્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં 15 માર્ચે માત્ર 45 હજાર પથારી ઉપ્લબ્ધ હતી. જે આજે વધીને એક લાખે પહોંચી છે. આમ, નાગરિકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો: સાંસદ પૂનમબેન માડમે લતીપુર PHC ખાતે રૂ. 18 લાખના ખર્ચે ફાળવાયેલી એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ
પ્રાણવાયુના પુરવઠા માટે રાજ્ય સરકારે નોંધપાત્ર કામગીરી કરી
તેમણે ગુજરાતમાં કોવિડના દર્દીઓ માટે ઓક્સિજનના પુરવઠા માટે કરવામાં આવી રહેલા કઠોર પરિશ્રમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે , 15 માર્ચે રાજ્યમાં માત્ર 135 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન અને વપરાશ હતો. જે આજે 11,150 મેટ્રિક ટને પહોંચ્યો છે. આમ, રાજ્યમાં પ્રાણવાયુના પુરવઠા માટે રાજ્ય સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે.
રાજ્યમાં બે લાખથી વધુ તબીબી સ્ટાફ 24X7 કાર્યરત
ગુજરાત સરકાર કોવિડના દર્દીઓને ઓક્સિજન પુરતો પુરવઠો મળી રહે તે માટે રાત-દિવસ મહેનત કરી રહી છે. અને આ જ કટિબદ્ધતાના પગલે નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના વ્યવસ્થાપનમાં વર્તમાન સમયમાં ગૃહવિભાગે સમયાંતરે કરેલા કાનૂની સુધારાનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિને પારખીને જ્યાં જરુર જણાઈ છે ત્યારે કરફ્યૂની અમલવારી કરી કોરોનાને કાબૂમાં રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
કોવિડ મહામારીને નાથવામાં સમાજના સહયોગની સરાહના કરતા જણાવ્યું હતું કે, સમાજના શ્રેષ્ઠીઓની અમાપ શક્તિઓ અને સંવેદનાના કારણે જ આપણે સૌ કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને આરોગ્ય સુવિધાઓમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે રાજ્યમાં બે લાખથી વધુ તબીબી સ્ટાફ 24X7 કાર્યરત છે.
આ પણ વાંચો: કોરોના સામે જંગ જીતવા અંગિયા ગામની અનોખી પહેલ, વેક્સિન લેનારાના વેરા કરાશે માફ
બેડની સંખ્યા 5 હજારથી વધુ
ગૃહરાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દ્વારા કોવિડ સંક્રમણને નિયંત્રિત કરાયું છે અને શહેરમાં 257 જેટલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 16 હજારથી વધુ ઘરોને આવરી લેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોવિડ કેસમાં અસાધારણ વૃદ્ધિ થતા રાજ્ય સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારી અને ખાનગી હોસ્પિટલોની મદદથી કોવિડ મેનેજમેન્ટની વ્યૂહરચના ઘડી કાઢી છે. જે મુજબ 11 સરકારી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જેમાં બેડની સંખ્યા 5 હજારથી વધુ છે. આ ઉપરાંત 171 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે નિયુક્તિ કરી છે. જેમાં બેડની સંખ્યા 7,706એ પહોંચી છે. આ હોસ્પિટલોમાં વધારાના બેડ ઉમેરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
અન્ય અગ્રણીઓ ઉપસ્થિત
રાજસ્થાન સેવા સમિતિ દ્વારા મુખ્યપ્રધાન કોરોના રાહત નિધિમાં રૂપિયા 5 લાખની સહાયનો ચેક પ્રદીપસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યો હતો. કોવિડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, મ્યુનિસિપલ કાઉન્સિલર ભરત પટેલ, સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.