અમદાવાદઃ છેલ્લા 7-8 વર્ષથી અમદાવાદમાં રિવરફ્રન્ટનું નિર્માણ થયું છે, જેની મુલાકાત વિશ્વના અનેક દેશોના વડાઓએ લીધી છે. રિવરફ્રન્ટના નિર્માણ બાદ રિવરફ્રન્ટને સરકાર દ્વારા સતત વિકસાવવામાં આવી રહ્યું છે. અમદવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના એક છેડાથી બીજા છેડા તરફ ઝડપથી પહોંચવા લોકો રિવરફ્રન્ટના રૂટનો ઉપયોગ કરે છે. લોકોથી હંમેશા ભરચક રહેનારૂં અમદાવાદનું રિવરફ્રન્ટ આજે સૂમસામ બન્યું છે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર વહેલી સવારથી જ મોડી રાત સુધી લોકોની ભારે ભીડ જોવા મળે છે. સવારે લોકો રિવરફ્રન્ટ પર મોર્નિંગવૉક માટે આવે છે, તે બાદ બપોરેના સમયે કૉલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સમય પસાર માટે રિવરફ્રન્ટ પર આવે છે. સાંજના સમયે ઓફિસથી છૂટીને નોકરિયાત વર્ગ સાબરમતીના કિનારે આવે છે, પરંતુ લૉક ડાઉનની પરિસ્થિતિમાં લોકો એકઠા ના થાય તે માટે રિવરફ્રન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.
ઘરે બેઠા લોકોને કંટાળો આવે ત્યારે લોકો સમય પસાર કરવા શાંત અને રમણીય એવા રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં આવતા હોય છે, પરંતુ હવે કોરોના જેવા ગંભીર રોગની સ્થિતિમાં લોકોને બહાર નીકળવા પર પતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ સૂમસામ બન્યું છે અને અમદાવાદના હ્રદય સમાન રિવરફ્રન્ટ અતિ સૂમસામ બન્યો છે.