- કોતરણીની આસપાસ ભંગારના ઢગલા
- પુરાતત્વના પાટિયા આગળ જ દબાણો
- હેરિટેજ સાઇટ વિકસાવવા સ્વચ્છતા જરૂરી
અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રવાસન વિકસે તે માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે એક નજર આ ઐતિહાસિક સ્થળોની અવદશા તરફ પણ જવી જોઈએ. કારણકે પ્રવાસીઓ અમદાવાદ શહેરની હેરિટેજ સાઇટ્સ પરની કારીગરી, તેમજ કોતરણી નિહાળવા આવે છે. ત્યાં વર્ષોથી રાખી મૂકેલા કચરાના ઢગ, ભંગાર કે દબાણો નહીં.
સુંદર કોતરણીયુક્ત પરિસર પર લોકો સૂકવે છે કપડા
અમદાવાદના અનેક જાણીતા ઐતિહાસિક સ્થળો AMC, પ્રવાસન વિભાગ અને પુરાતત્વ વિભાગના સંકલનના અભાવે ભંગાર હાલતમાં તબદીલ થતા જાય છે. લોકો રાણીના હજીરા પરિસરના થાંભલા પર કપડાં સુકવે છે. અત્યારના સમયમાં અહીં એટલા બધા કચરાના ઢગ ફેલાઇ ગયા છે કે કોઇ બહારના વ્યક્તિને કલ્પના પણ ન આવે કે તે જે જગ્યાએથી પસાર થઇ રહ્યો છે, તે એક આખા યુગના સંભારણા સાચવી રહેલું સ્મારક છે.
કોતરણીવાળી દિવાલો પાસે ટૂટેલા ખુરશી-ટેબલોનો ખડકલો
સૌથી આઘાતજનક વાત એ છે કે અસંખ્ય ગેરકાયદેસર દબાણોના કારણે જ્યાં પુરાતત્વ વિભાગોએ હજીરાની માહિતી આપતા લખાણના પાટિયા લગાવ્યા છે એ જગ્યા પણ ઢંકાઈ ગઈ છે. સુંદર કોતરણીવાળી દિવાલો પર લોકો ટૂટેલા ખુરશી-ટેબલોનો ખડકલો કરતા જાય છે.
શું ફાયદો 'હેરિટેજ સિટી', 'હેરિટેજ વોક'ના વિશેષણોનો?
હિંદુ, મુસ્લિમ, જૈન, પારસી, ખ્રિસ્તી દરેક ધર્મની ઐતિહાસિક ઇમારતો અમદાવાદમાં આવેલી છે. અમદાવાદને 'હેરિટેજ સિટી' નો દરજ્જો મળ્યા બાદ ટુરિઝમનો વિકાસ થાય અને દેશ-વિદેશથી પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લેવા આકર્ષાય તે માટે અમદાવાદમાં અવારનવાર પોળોમાં તેમજ જૂના મકાનોમાં 'હેરિટેજ વોક' જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. પરંતુ જો ઐતિહાસિક સ્થળોની સમય જતા જો આવી જ હાલત થવાની હોય તો આવી પ્રવૃત્તિઓનો કોઇ અર્થ નથી.