અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર જબરદસ્ત રીતે વ્યાપી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 1,851 કેસ સામે આવી ચુક્યાં છે, ત્યારે રાજ્યમાં એવી કેટલીક હોસ્પિટલો છે જે ઘણા દિવસથી બંધ છે અને કોરોના વાઈરસના દર્દીઓની સારવાર કરી રહી નથી. જેને લઈ કોંગ્રેસના નેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના લાયસન્સ કેન્સલ કરો. કોરોનાની સારવાર ન કરે તે લાયસન્સ રદ કરો. જે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર નથી કરતા તેવી હોસ્પિટલના ડોક્ટરોને સરકારી હોસ્પિટલમાં ડ્યુટી આપો. દેશમાં રાજ્ય જ્યારે વૈશ્વિક મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો હોય ત્યારે મોટી હોસ્પિટલ તાળા મારી રાખે તે કેવી રીતે ચલાવી લેવાય.
આ વિશે મળતી માહિતી મુજબ, કોરોનાના દર્દીઓનું ખાનગી હોસ્પિટલો નિદાન કે, સારવાર ન કરવી પડે તેના માટે બંધ રાખી રહી છે. આ મુદ્દો હવે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં જે હોસ્પિટલો કોરોનાના દર્દીઓની સારવાર નથી કરી રહી તેવી ખાનગી મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના લાયસન્સ રદ્દ કરવાની સરકારને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો કોરોનાની સારવાર ન કરે તો તેવી હોસ્પિટલોની રાજ્યમાં કોઈ જરૂર નથી, તેમના લાયસન્સ તાત્કાલિક રદ્દ કરો. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલના ડોક્ટરને સરકારી હોસ્પિટલમાં ડ્યુટી પણ આપવાની માંગણી સરકારને કરી હતી.
કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર જણાવ્યું હતું કે, રાજ્યમાં આવા સંજોગોમાં મોટી હોસ્પિટલ્સ તાળા મારી રાખે તે ના ચાલે આ મુદ્દાને ગંભીરતાથી લઈને કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે CM રૂપાણીને પત્ર લખ્યો હતો.