- કોરોના કાળમાં લોકોનો સહારો બની સ્વંયસેવી સંસ્થાઓ
- અમદાવાદમાં 1 હજાર લોકોને દરરોજ ટિફિન પહોંચાડતી 'હાર્ટ ફાઉન્ડેશન'
- ભુજ તાલુકામાં 15 ઓક્સિજન સિલિન્ડર ફાળવતી સંસ્થા
અમદાવાદઃ કોરોનાએ સમાજમાં તમામ પ્રકારના ભેદભાવ ભુલાવી દીધા છે. આ કપરા કાળમાં નાગરિકોની મદદે કોઈપણ રાજકીય પાર્ટીઓ આવી નથી. ત્યારે કોરોનાના દર્દીઓ અને તેમના સગાઓનો એક માત્ર સહારો સ્વયંસેવી સંસ્થાઓ બની છે. શહેરની સરકારી હોસ્પિટલો જેમ કે, સોલા સિવિલ હોસ્પિટલ અને અસારવા સિવિલ વગેરેમાં દર્દીઓના સગાઓ હોસ્પિટલની બહાર કેમ્પમાં રહે છે. ત્યારે તેમને જમવાની, સેનેટાઈઝર, માસ્ક અને પીવાના પાણીની વગેરે વ્યવસ્થા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે છે. આમ સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા અનેક રીતે તેમની નાની મુશ્કેલીઓ દૂર કરીને તેમના માટે સહારાનું કાર્ય થાય છે.
આ પણ વાંચોઃ વડોદરા સેવા ભાવિ સંસ્થા દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું
ભુજ હોસ્પિટલને 15 ઓક્સિજન સિલિન્ડરનું દાન
અમદાવાદમાં આવી જ એક સંસ્થા છે, હૃદયના ડોક્ટર નીતિન શાહની. જેનું નામ 'હાર્ટ ફાઉન્ડેશન' છે. આમ તો આ સંસ્થા સતત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. સામાન્ય દિવસોમાં તેઓ કુલીઓ અને દિવ્યાંગ લોકો વગેરેને મદદ કરે છે. કોરોનાના આ કપરા કાળમાં તેમણે સેવાનું બીડું ઝડપ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેઓ દરરોજ 1000 ટિફિન પહોંચાડે છે. આ ઉપરાંત માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ, રાશનકીટનું વિતરણ પણ તેમના દ્વારા થતું રહે છે. તાજેતરમાં જ તેમણે ભુજ તાલુકાની હોસ્પિટલને 15 ઓક્સિજન બોટલ દાનમાં આપી છે.
આ પણ વાંચોઃ મોરબીની સામાજિક સંસ્થા દ્વારા ઓક્સિજન મશીન આપશે
ઓક્સિજન સિલિન્ડરની સહાયતા પણ કરાય છે
કોરોનામાં ઓક્સિજન એક અકસીર દવા છે. ત્યારે આ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના નિવૃત્ત અને અગ્રણી અધિકારીઓની મદદથી ઓક્સિજન સિલિન્ડર દર્દી માટે સહાય રૂપે આપવાનું શરૂ કરાયું છે. ઉપરાંત અન્ય રોગના નિદાન માટે પણ કેમ્પ યોજાતા રહે છે.