- શેરબજારમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ
- અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથગ્રહણને વધાવતો ડાઉ
- ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું
અમદાવાદઃ શેરબજારમાં લાલચોળ તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સ અને નિફટીએ લાઈફ ટાઈમ હાઈની સપાટી કૂદાવી દીધા બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 167.36 ઘટી 49,624.76 બંધ રહ્યો હતો, જ્યારે નિફટી ઈન્ડેક્સ 54.35 ઘટી 14,590.35 બંધ થયો હતો.
સેન્સેક્સ 1999માં 5,000 હતો
અત્રે નોંધનીય છે કે, સેન્સેક્સે 1999માં 5,000નો આંક દર્શાવ્યો હતો. સેન્સેક્સને 5,000થી 20,000 થવામાં 8 વર્ષ લાગ્યા હતા અને 2007માં સેન્સેક્સે 20,000નો આંક સ્પર્શ્યો હતો. તે પછી 20,000થી 40,000 થવામાં 12 વર્ષ લાગ્યા હતા. 23 મે, 2019ના રોજ સેન્સેક્સ 40,000 થઈ ગયો હતો. હવે સેન્સેક્સને 40,000થી 50,000 થવા માટે 2 વર્ષનો ઓછો સમય લાગ્યો છે.
FIIની નવી લેવાલી ચાલુ રહી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદે જો બાઈડને શપથગ્રહણ કર્યા છે, તે દિવસે ડાઉ જોન્સ અને એશિયાઈ સ્ટોક માર્કેટ ઉછળીને આવ્યા હતા. પરિણામે ભારતીય શેરબજાર પણ તેજીના ટોને ખૂલ્યું હતું. ઑલરાઉન્ડ લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી. એફઆઈઆઈની પણ લેવાલીએ આવી હતી. જો કે, સેન્સેક્સ 50,100ની ઉપર ગયા પછી તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું, પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ અને નિફટી માઈનસમાં બંધ રહ્યા હતા, પરંતુ શેરબજારે આજે ગુરુવારે નવો ઈતિહાસ લખ્યો છે.