- હજારોની સંખ્યામાં મેચ જોવા આવી રહ્યા છે પ્રેક્ષકો
- આજુ-બાજુના દુકાનદારો અને ફેરિયાઓને લાભ
- અનેક લોકોને પરોક્ષ રોજગારી
અમદાવાદ: અર્થતંત્રમાં એક સંકલ્પના હોય છે કે, જ્યારે પણ કોઈ જગ્યાએ મોટી ફેક્ટરી લાગે કે મોટો ઉદ્યોગ આવે તો તેની સાથે જ અનેક લોકોને નાની-મોટી રોજગારી મળતી હોય છે, જ્યારે પણ કોઈ રાજ્યમાં નવું નિર્માણ થતું હોય, ત્યારે સરકાર અને રાજકારણીઓ માટે પણ લોકોના વિરોધને ટાળવા રોજગાર એ સૌથી સરળ અને પ્રિય મુદ્દો હોય છે.
એક ઉદાહરણથી સમજીએ રોજગારનું ચક્ર
સામાન્ય રીતે રેલવે સ્ટેશન એ પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવેશ કરવા અને ઉતરવા માટેનું સ્થળ હોય છે, પરંતુ તેની સાથે-સાથે ટેક્સી ડ્રાઈવર, રિક્ષા ડ્રાઈવર, કુલી, સફાઈકર્મી, પ્લેટફોર્મ પર નાસ્તો વેંચતા ફેરિયાઓ, રેલવે સ્ટેશન પર કામ કરતા કર્મચારીઓ વગેરેને હાજરોની સંખ્યામાં રોજગારના અવસર પ્રદાન થાય છે. આ જ રીતે ખાનગી કંપનીઓ પણ સીધી કે આડકતરી રીતે રોજગારનો અવસર પ્રદાન કરતી હોય છે.
સ્ટેડિયમ આપે છે રોજગાર...
અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે, ત્યાં હજારો પ્રેક્ષકો મેચ જોવા આવી રહ્યા છે. જેથી અનેક લોકોને સીધી કે આડકતરી રોજગારી મળી રહી છે. જેમ કે પ્રેક્ષકોને સ્ટેડિયમ સુધી અને ત્યાંથી હોટલ કે ઘર સુધી પહોંચાડવા માટે રિક્ષા કે ટેક્સી ડ્રાઈવર, સ્ટેડિયમની બહાર પાણી અને નાસ્તો વેચતા ફેરિયાઓ, સ્ટેડિયમની અંદર ભરતી કરાયેલા કર્મચારીઓ, સફાઈકર્મીઓ, સ્ટેડિયમમાં વિવિધ ચીજવસ્તુઓ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ લેતા વેપારીઓ, મેચ દરમિયાન ટી-શર્ટ અને ટોપી વેચતા ફેરિયાઓ, હોટેલ માલિકો અને તેમનો સ્ટાફ વગેરે પ્રેક્ષકોની માગ સંતોષે છે.
આ પણ વાંચો: મોટેરા સ્ટેડિયમની તસવીર જોઈ હિટમેને કહ્યું- 'હવે વધારે રાહ નથી જોવાતી'
અવનવા કામ કરી રહ્યા છે દુકાનદારો
સ્ટેડિયમની આસપાસના દુકાનદારોને ત્યાં પ્રેક્ષકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. નાસ્તા-પાણીની અને અન્ય ચીજ વસ્તુઓની માગ પણ વધી રહી છે. સ્ટેડિયમની બહાર જ દુકાન ધરાવતા દુકાનદારે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, તેમની એજન્સીમાંથી દરરોજ 100 પીવાના પાણીના જગ સ્ટેડિયમમાં જાય છે. આ જ રીતે સ્ટેડિયમમાં બહારની વસ્તુ લઈને પ્રવેશ ન હોવાથી, કેટલાક દુકાનદારોએ નજીવું ભાડુ લઈને વસ્તુઓ સાચવવાની જવાબદારી લીધી છે. આજુ-બાજુ નાની નાસ્તાની દુકાન ધરાવતા લોકોને પણ ફાયદો થયો છે. કેટલાક યુવાનોએ 'પકોડે તલો' યોજનાની જેમ ઢોકળા, બર્ગર, ચા, પાણી વગેરેનું વેચાણ શરૂ કરી દીધું છે. અમુક લોકો તો પ્રેક્ષકોએ હજારોની સંખ્યામાં પાણી પી ને ફેંકેલી પ્લાસ્ટિક બોટલ એકત્ર કરીને રોજગાર રળી લે છે.
'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમમાં સીઝનલ રોજગાર
ક્રિકેટ મેચ જોવા જવું એટલે વ્યકતિ દીઠ ઓછામાં ઓછા 500 રૂપિયાનો ખર્ચ થાય જ છે. જો 20 હજાર લોકો પણ મેચ જોવા આવે તો કરોડો રૂપિયાનું માર્કેટ બને તેમ છે. ગરીબ લોકો ભાગ્યે જ ક્રિકેટ મેચ જોવા જાય છે, ત્યારે ધનિક અને મધ્યમ વર્ગ પોતાના શોખ ખાતર જાય છે. તેઓ આસપાસના વિસ્તારના ટી-શર્ટ અને પાણીની બોટલો કે ટોપીઓ વેચીને પેટિયું રળતા લોકોને રોજગાર આપે છે. જેથી તેમને સીઝનલ રોજગારી મળી રહે છે.