અમદાવાદઃ શહેરમાં વધતા જતા ગુનાહિત પ્રવૃતિઓને અટકાવવા માટે થઈ અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે. અમદાવાદમાં સીટી પ્રોજેક્ટ હેઠળ 3500થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. CCTV કેમેરાનું મોનિટરિંગ અલગ અલગ સેન્ટરો પરથી કરવામાં આવી રહ્યું છે. જેમાં એક સેન્ટર અમદાવાદ પોલીસ હેઠળ અને બીજુ સેન્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે.
અમદાવાદ શહેર પોલીસ CCTV માધ્યમથી અમદાવાદ શહેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દિવસેને દિવસે અપડેટ થઈ રહેલી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ ટેકનોલોજીનો વપરાશ કરી રહી છે અને તેને ધ્યાનમાં રાખી નિયમ ભંગ કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત CCTVના માધ્યમથી શહેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ સંદિગ્ધ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે. આ સાથે જ ગુનાહિત પ્રવૃતિ જેવી કે, લૂંટ, હત્યા કે અન્ય ગુનાઓ બને તો આરોપીઓને શોધવા માટે CCTV મદદરૂપ બની રહે છે.
CCTVના માધ્યમથી આરોપીનો ફેસ ડિટેક્ટ કરી ઝડપથી આરોપીને પકડી શકાય છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા મોટી સંખ્યામાં માર્કેટ ભરાતું હોય તેવી જગ્યા પર CCTV કેમેરાની સાથે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એટલે કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદની ગુના મુક્ત શહેર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની મહામારી ચાલી રહી છે, તેને ધ્યાનમાં રાખી માસ્ક ન પહેરનારા વાહન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરી ઈ મેમો આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ 3 હજારથી પણ વધુ કેમેરા કાર્યરત છે. કોર્પોરેશન પણ અમદાવાદ શહેર પર CCTV વડે નજર રાખી રહ્યું છે. એટલે કે, અમદાવાદમાં કોઈપણ પ્રકારની ઘટના બને તો વહેલી તકે કઈ રીતે આ ઘટનાને ડામી શકાય અને આરોપીઓને કઈ રીતે ઝડપી શકાય, તેની એક આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આને અમદાવાદ શહેર પોલીસ અમદાવાદને સ્વચ્છ શહેર તેમજ ગુના મુક્ત શહેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 23 ફેબ્રુઆરી, 2018ના દિવસે સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ(SASA project) લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ પોલીસ હેઠળ 3000 CCTV કેમેરા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ 3000 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જે ઈ ચલણ, સ્પિટીગ ચલણ અને માસ્ક વાયોલેટિંગ માટે પણ ઉપયોગી છે.