અમદાવાદઃ દેશમાં લોકડાઉન લાગુ થયું ત્યારથી આજદિન સુધીમાં સોલા સિવિલના ગાયનેક વિભાગ દ્વારા 1800થી વધુ પ્રસૂતિ કરવામાં આવી છે. જેમાં સામાન્ય પ્રસૂતિ, સીઝેરીયન (શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ) અને જટિલ પ્રકારની પ્રસૂતિનો સમાવેશ થાય છે. તેની સાથે સાથે જટિલ પ્રકારની 100થી વધુ ગાયનેક સર્જરી કરવામાં આવી છે. જેમાં સગર્ભાની કેન્સરને લગતી સર્જરી હોય, ગર્ભ નળીની બહાર રહી જાય તેવી સ્કારેકટોપિક સર્જરી, સીઝેરીયન સર્જરી તેમજ ઇમરજન્સીમાં કરવી પડતી અતિ જટિલ સર્જરીઓનો સમાવેશ થાય છે.
સોલા સિવિલના ગાયનેક વિભાગના વડા અને રાજ્ય સરકારમાં કોરોના પ્રોક્યોરમેન્ટ સાધનોના સપ્લાય કમીટીના મેમ્બર ડૉ.અજેશ દેસાઇએ કહ્યું કે, ‘રાજ્ય સરકારમાં કોવિડ-19 દરમિયાન ગાયનેક વિભાગ માટે કાર્યરિતિના દિશાનિર્દેશો અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં હતા. કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગાયનેક વિભાગે કઇ રીતે કાર્ય કરવું તેના તમામ પાસા આમાં સાંકળી લેવામાં આવ્યા હતા, અને એ જ પ્રમાણે સમગ્ર રાજ્યમાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓની પ્રસૂતિ માટેની સારવાર પધ્ધતિ અનુસરવામાં આવી રહી છે.
સોલા સિવિલની લોકડાઉન દરમિયાનની ગાયનેક વિભાગની કામગીરી વિશે જણાવતા ડૉ. દેસાઇએ કહ્યું કે, ‘સોલા સિવિલમાં 24X7 કામગીરી કરવામાં આવે છે. અમારા 3 રેસીડેન્ટ તબીબો ખડેપગે અવિરત સેવાઓ આપે છે. કોઈપણ સગર્ભા જ્યારે કોવિડ પોઝિટિવ થઇને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં આવે છે, ત્યારે તેમની તમામ સર્જરી-સારવાર સિનિયર તબીબો દ્વારા હાથ ધરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાગ્રસ્ત સગર્ભા કે શંકાસ્પદલક્ષણો ધરાવતી સગર્ભા દર્દીને જ્યારે સીઝેરીયન (શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ )ની ફરજ પડે ત્યારે આવા દર્દીને સીધા કોરોના વોર્ડમાં જ દાખલ કરવામાં આવે છે. આની ગંભીરતા સમજાવતા ડૉ. દેસાઇએ કહ્યુ કે, ‘આવા દર્દીઓમાં ઓક્સિજન સેચ્યુરેશન એટલે કે SPO2 ઓછુ હોવાના કારણે જટીલતા ઘણી રહેલી હોય છે. તેમાં સતત રક્તસ્ત્રાવ વધવાની સંભાવના પ્રબળ હોય છે. જે સ્થિતિ માતા અને બાળક બંને માટે જોખમી બની રહે છે. ત્યારે અમારી જવાબદારી વિશેષ બને છે.
કોરોનાકાળમાં અત્યાર સુધીમાં કોરોના નેગેટીવ 15થી વધુ દર્દીઓમાં લેપ્રોસ્કોપી સર્જરી પણ ગાયનેક વિભાગ દ્વારા કરવામાં આવી છે. ‘અમદાવાદથી નજીક હેબતપુરમાં રહેતા દિપીકાબેનને રાત્રે પ્રસૂતિની પીડા ઉપડી હતી, દિપીકાબેનને HRCT ટેસ્ટમાં ગ્રેડ 4 જણાતા કોરોનાનું ગંભીર સંક્રમણ હોવાથી ખાનગી તબીબોએ સોલા સિવલમાં પ્રસૂતિ માટે મોકલ્યા અને હોસ્પિટલ તંત્રએ દિપીકાબેનને ગાયનેક વિભાગમાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા, ત્યારબાદ રાત્રિ સમયમાં ઇમરજન્સીમાં સારવાર અર્થે આવેલા દિપીકાબેનને શસ્ત્રક્રિયા કરીને પ્રસૂતિ કરવાની જરૂરિયાત ઉભી થતા સિનિયર તબીબ સ્વાતી પટેલ અને તેમની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી. દિપીકાબેનને ત્યાં બાળકીનો જન્મ થયો હતો.
અમદાવાદના હેબતપુર વિસ્તારમાં રહેતા દિપીકાબેનને અગાઉ પણ બે બાળકો વખતે શસ્ત્રક્રિયા કરીને પ્રસૂતિ કરાવવામાં આવી હતી, પરંતુ આ વખતે કોરોના પોઝિટિવ થવાની સાથે સીઝેરીયન હોવાથી પ્રસૂતિ ગંભીર બની રહી હતી, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં તેમની સફળતાપૂર્વક સર્જરી કરાઈ હતી. કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીનું સીઝેરીયન કરવું પડ્યુ હોય તેવો સોલા સિવિલના ગાયનેક વિભાગ માટે આ પ્રથમ કિસ્સો હતો.