- ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી કોને બનાવાશે તેના પર સૌની નજર રહેશે
- ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રાજીવ સાતવનું કોરોનાના કારણે નિધન થયું હતું
- કોંગ્રેસ હાઈકમાન્ડે સચીન પાયલટને પ્રભારી બનવાની ઓફર આપી પણ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી
- આગામી 2 સપ્તાહમાં નવા પ્રભારીના નામની થઈ શકે જાહેરાત
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવનું કોરોનાને કારણે અવસાન થતા પ્રભારી પદ અત્યાર ખાલી પડ્યું છે. ત્યારે કોંગ્રેસના હાઈકમાન્ડે સચીન પાઈલટને પ્રભારી પદની ઓફર કરવામાં આવી હતી. જોકે, તેમણે તેને ધરાર ના પાડી દેતા હવે હાઇકમાન્ડ મનોમંથનમાં જોવા મળી રહી છે.
રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસ નેતૃત્વ વગરની બન્યું
ગુજરાતમાં દોઢ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે વર્ષ 2022ના અંતમાં ચૂંટણી થાય તે પહેલાં જ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગઈ છે, પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું આકસ્મિક નિધન થતાં ગુજરાત કોંગ્રેસ અત્યારે નેતૃત્વ વગરની જોવા મળી રહી છે. એક તરફ વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ પ્રભારી રાજીવ સાતવનું અવસાન થતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ સક્રિય થયું છે. જોકે, સચીન પાયલટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનવાની ધરાર ના પાડી છે. હવે બી. કે. હરિપ્રસાદ, મોહન પ્રકાશ, અવિનાશ પાંડ અને મુકુલ વાસનીકના નામ પર ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો- કોરોના સંદર્ભે જિલ્લા પ્રભારી વાસણ આહિરે પાટણની મુલાકાત લીધી
હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી બનાવવા તરીકે મુરતિયો શોધવાની કરી શરૂ
કોંગ્રેસ પાર્ટીમાં સૌથી યુવા નેતા ગણવામાં આવતા રાજીવ સાતવ કે, જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદ પર રહેલા હતા, પરંતુ તેમનું અવસાન થતા ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું પદ ખાલી પડ્યું છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની શોધખોળ શરૂ કરી છે. આગામી એકાદ બે સપ્તાહમાં કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના નવા પ્રભારીની નિમણૂક કરે તેવી પ્રબળ શક્યતા છે.
આગામી બે સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારીનું નામ થઈ શકે જાહેર
હાલ આ પદ માટે મુકુલ વાસનિક, અવિનાશ પાંડે, બી.કે. હરિપ્રસાદ અને મોહન પ્રકાશનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. અવિનાશ પાંડે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન જ અશોક ગેહલોત અને સચીન પાઈલટનો વિવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, તે મામલો સુખદ ઉકેલ આવ્યા બાદ સચીન પાઈલટે તેમને પ્રભારી પદ પરથી હટાવવાની માગ કરતાં તેમના સ્થાને અજય માકનને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે ચર્ચામાં રહેલા અન્ય નામોની વાત કરવામાં આવે તો મુકુલ વાસનીક હાલ મધ્યપ્રદેશના પ્રભારી છે. મુકુલ વાસનીક AICCના જનરલ સેક્રેટરી પણ છે. આ તમામની વચ્ચે રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોતે મોહન પ્રકાશના નામની ભલામણ કરી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી કોના માથે પસંદગીનો કળશ ઢોળે છે તે બે સપ્તાહમાં ખબર પડી જશે.