- એસ.જી હાઇવેથી જગતપુર જતાં ક્રોસિંગનો માર્ગ બંધ
- અનેક વિસ્તારોથી જોડાયેલા એસ.જી હાઇવેનો માર્ગ વૈકલ્પિક વ્યવસ્થા વગર બંધ કરાયો
- વાહનો માટે ડાયવર્ઝનના પાટિયા કે સૂચનાઓ પણ નથી લગાવાઇ
અમદાવાદ: ચોતરફ વિકસતા અમદાવાદમાં મેટ્રો, અન્ડર બ્રિજ, ઓવર બ્રિજ તેમજ ગટરલાઇનનાં કામ પૂરજોશમાં ચાલી રહ્યાં છે. શહેરમાં રાણીપ, ચેનપુર, ગોદરેજ સિટી, સેવ્વી સ્વરાજ તરફના લોકોને એસ.જી હાઇવે તરફ જવા માટે જગતપુર ક્રોસિંગનો માર્ગ સરળ છે. નવા વિકસેલા વિસ્તારોની વધતી જતી વસતી અને વાહન વ્યવહારમાં સતત વધારો થતાં જગતપુર ક્રોસિંગ પર બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારમાં બ્રિજ બનવાનો છે એ વાત વહેતી થઇ ગઇ હતી. એસ.જી.હાઇવે થી જગતપુર જવાનાં માર્ગ ઉપર બ્રિજ અને ગટર લાઇનની કામગીરી ચાલતી હોવાથી હાલમાં રસ્તો બંધ કરાયો છે. ચેનપુર, રાણીપ, ગોદરેજ સિટી સહિતનાં આસપાસના નવા વિકસેલા વિસ્તારોના લોકો તેમજ એસ.જી. હાઇવે તરફ જતાં વાહનો માટે અચાનક જ આ ક્રોસિંગ બંધ થઇ જતાં ભારે મુશ્કેલી થઇ રહી છે.
ડાયવર્ઝન અને સૂચનાઓ વગર જ્યાં-ત્યાં ફરી રહેલાં વાહન ચાલકો
અચાનક જ જગતપુર ક્રોસિંગ બંધ કરી દેવાતાં અસંખ્ય અજાણ્યા વાહન ચાલકો એસ.જી હાઇવે તરફનાં માર્ગની શોધખોળ કર્યા કરે છે. બ્રિજ બનાવવા તેમજ ગટર લાઇન માટે માર્ગ બંધ કર્યા પછી સંલગ્ન તંત્ર દ્વારા વાહન ચાલકોને માર્ગ બતાવતા ડાયવર્ઝનના પાટિયાઓ કે સૂચનાઓ મુકી નથી. રાણીપ, ચેનપુર થી હાઇવે તરફ જવા માંગતા કે હાઇવે થી જગતપુર થઇ શહેરના જુદા જુદા વિસ્તારમાં પ્રવેશવા માંગતા વાહન ચાલકો માર્ગ માટે વલખાં મારી રહ્યાં છે. બીજી તરફ મોટા ખાડાનાં ખોદકામ બાદ ક્રોસિંગ ખોલી નાંખતા માર્ગની શોધમાં વાહનો જગતપુર ગામના સાંકડા રસ્તે જાય છે. જેથી ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ છે.