- પોલીસ પર હુમલાનો વધુ એક બનાવ
- રીક્ષા ચાલકને રોકતા છરી વડે કર્યો હુમલો
- પોલીસ કર્મીને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા
અમદાવાદ : જમાલપુર વિસ્તારમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન એક રીક્ષા ચાલક રોન્ગ સાઈડ રીક્ષા ચલાવીને જઈ રહ્યો હતો. તે સમયે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સાથે તેણે ઝપાઝપી કરીને તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યારે રીક્ષા ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગળાના ભાગે છરી મારવાનો પ્રયત્ન કર્યો હતો
રીક્ષા ચાલકને રોક્યા બાદ લોક રક્ષક નરેન્દ્રસિંહ તેની અંગ જડતી કરી રહ્યા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે "તમે મને કેમ રોક્યો છે? મને અહીંથી જવા દો" એમ કહીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે ચાલાકીથી પોતાની પાસે રાખેલી છરી કાઢીને નરેન્દ્રસિંહને ગળાના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્વબચાવ કરવામાં તેઓ જમીન પર પડી ગયા હતા. જ્યારબાદ તેણે પગના ભાગે છરી મારતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું.
ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે લઈ જવાયા
હુમલો કર્યા બાદ રીક્ષા ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, તે સમયે પોઈન્ટ પર હાજર પોલીસકર્મીઓ તાત્કાલિક નરેન્દ્રસિંહને સારવાર માટે લઈ ગયા હતા. જ્યારે તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે રીક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.