- ઢાકામાં વડાપ્રધાનના નિવેદનની સત્યતા સામે સવાલો
- ભાજપના પૂર્વ પ્રવકતા ભરત પંડ્યાએ કર્યું ટ્વીટ
- નરેન્દ્ર મોદીએ 1978માં લખેલ પુસ્તકનું બેક કવર પેજ વાંચો
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના સ્વતંત્રના 50 વર્ષની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા કહ્યું હતું કે, બાંગ્લાદેશની આઝાદી માટે મેં ધરપકડ વહોરી હતી. બાંગ્લાદેશની આઝાદી માટેના સંઘર્ષમાં જોડાવું એ મારા જીવનના શરૂઆતના આંદોલનોમાંથી એક હતું. તે સમયે મારી ઉમર 20-22 વર્ષની હતી. મેં અને મારા અનેક સાથીઓએ બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો. વડાપ્રધાને તે સંબોધનમાં ભારતીય જવાનો અને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ યાદ કર્યાં હતાં.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી
PM મોદીના નિવેદન પછી વિરોધીઓએ કરી ટીકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન આવ્યા પછી તુરંત જ તેમના વિરોધીઓએ ટીકા કરવાનું શરૂ કર્યું અને તેમના નિવેદનની સત્યતા પર સવાલો ઉભા કર્યા હતા, ત્યારે ભાજપના પૂર્વ પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1978માં લખેલા પુસ્તક ‘સંઘર્ષમાં ગુજરાત’ બેક કવર પેજ પર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ‘‘અગાઉ બંગલા દેશ સત્યાગ્રહ સમયે તિહાડ જેલમાં જઈ આવેલા છે.’’
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો બીજો દિવસ: આ મંદિરોમાં કરશે પ્રાર્થના
ભાજપના પૂર્વ પ્રવક્તા ભરત પંડ્યાએ કર્યું ટ્વીટ
ભરત પંડ્યાએ ટ્વીટમાં લખ્યું કે, PM મોદીએ બાંગ્લાદેશના નિર્માણ માટે સત્યાગ્રહમાં ભાગ લેવા અને તેના માટે જેલમાં જવાનો આજે ઢાકામાં નિવેદન કર્યું છે. તેમના વિરોધીઓના પેટમાં દર્દ થઈ ગયું, સંદેહનો માહોલ ઉભો કર્યો છે. આ ટીકાકારોએ 1978માં પ્રકાશિત આ પુસ્તકના બેક કવર પેજ જોઈને નિરાશ થવું પડશે.
કિશોર મકવાણાની ‘કોમન મેન’ પુસ્તકમાં પણ ઉલ્લેખ
વડાપ્રધાન મોદી પર લખાયેલા પુસ્તક ‘કોમન મેન’માં પણ તેના લેખક કિશોર મકવાણાએ બાંગ્લાદેશ આઝાદીની લડતનો ઉલ્લેખ કર્યો છે અને નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા નહોતા ત્યારે આ વાત મેં મારા પુસ્તકમાં લખી છે, તેવું કિશોરભાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આટલા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર બોલતા હોય ત્યારે તેનો સંદેહ ન કરવો જોઈએ. તેઓ બાંગ્લાદેશની આઝાદીની લડત વખતે તિહાડ જેલમાં ગયાનો ઉલ્લેખ મારી બુકમાં પણ છે અને આ પુસ્તક નરેન્દ્રભાઈએ વાંચેલું છે. કોમન મેન પુસ્તકની હિન્દી અને અંગ્રેજી આવૃતિ પ્રકાશિત થઈ હતી.
બુકમાં નરેન્દ્ર મોદીનો પરિચય બાબુભાઈ પટેલે લખ્યો છે
કિશોરભાઈ મકવાણાએ વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈની યાદશક્તિ બહુ જ શાર્પ છે. તેમને જૂની નાની-નાની વાતો ખૂબ જ યાદ રહે છે. પ્રસંગને અનુરૂપ તેઓ તે યાદરૂપી વાક્યો તેમના સંબોધનમાં આવે છે. તેમણે ગુજરાતના તમામ જિલ્લાનો પ્રવાસ કર્યો છે. બીજી મહત્વની વાત એ છે કે, ‘સંઘર્ષમાં ગુજરાત’નું સૌપ્રથમ પુસ્તક તેમાં નરેન્દ્ર મોદીનો પરિચય જ તે વખતના મુખ્યપ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલે લખ્યો છે, અને તેમાં આ બાંગ્લાદેશની આઝાદીની વાતનો ઉલ્લેખ છે.