- BU પરમિશન અને ફાયર NOC વિના ધમધોકાટ ચાલતી હોસ્પિટલો સામે મનપાની તવાઈ
- હોસ્પિટલના દર્દીઓને 7 દિવસમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવા નોટિસ
- સુપ્રીમ કોર્ટે રાહત ફગાવતા AMC એ લીધા પગલાં
અમદાવાદ- ગુજરાત હાઇકોર્ટમાં ફાયર NOC અને બીયુ પરમિશન ન ધરાવનારા એકમો સામે તંત્રની ઘોર બેદરકારીને લઇ સરકારની નિંદા કરતા અમદાવાદ મહાનગરપાલિકા તરત હરકતમાં આવી છે. અમદાવાદમાં BU પરમિશન અને ફાયર NOC વિનાની 42 હોસ્પિટલના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલો અને શહેરના તમામ એકમોને ફાયર NOC અને BU પરમિશન લેવા માટે ત્રણ મહિના અગાઉ મનપાએ નોટિસ આપી હતી.
મનપાએ સાત ઝોનમાંથી 42 હોસ્પિટલોના રજીસ્ટ્રેશન રદ કર્યા
આ મુદ્દે હોસ્પિટલના સંચાલકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 3 જુન 2021ના રોજ અરજી ફગાવી દેતાં તેમણે દાદ માગવા માટે સુપ્રીમ કોર્ટમાં શરણે થવું પડ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે રાહત આપવાની માંગણી ગ્રાહ્ય ન રાખતા મેટર ડિસમિસ કરી હતી. આમ કાર્યવાહી કરવા માટે AMC ને ખુલ્લો દોર મળ્યો હતો. મનપાએ સાત ઝોનમાંથી જુદી-જુદી કુલ 42 હોસ્પિટલોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા.
નોટિસ પાઠવી મનપાએ આકરું વલણ અપનાવ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU અને ફાયર NOC વિનાની હોસ્પિટલો અને નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ પર તેની અસર ન વર્તાય તે માટે 7 દિવસમાં દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા તેમજ હોસ્પિટલો અને નર્સિંગ હોમનો વપરાશ બંધ કરવામાં આવ્યો છે તે અંગે AMCને લેખિત જાણ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. વધુમાં મનપાએ પોતાની નોટીસમાં ઉલ્લેખ કર્યો છે કે, જો આ પ્રમાણે પગલાં ન લેવામાં આવે તો મનપા આવી હોસ્પિટલ સામે સીલ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં અચકાશે નહીં.