અમદાવાદઃ ભારતના વડાપ્રધાને પણ તે માટે અગાઉના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા પેકેજને મળીને કુલ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે,અલગ અલગ સેક્ટર માટે માટે નાંણાપ્રધાન નિર્મલા સીતારમને બેઠક યોજીને સેક્ટર વાઈસ પેકેજની ફાળવણી કરશે. આ પેકેજને મોટાભાગના ઉધોગકારો, અર્થશાસ્ત્રીઓ, વિવિધ ઔદ્યોગિક ચેમ્બર્સના અગ્રણીઓએ આવકાર્યુ છે.
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આર્થિક સહાય પેકેજ અંતર્ગત સૂક્ષ્મ, લઘુ, મધ્યમ, ગૃહ તેમજ કુટીર ઉદ્યોગોને લગતી વિવિધ જાહેરાતો કરી છે, તેનાથી ચોક્કસપણે આગામી સમયમાં MSME સેક્ટરને વેગ મળશે, MSMEનો વ્યાપ વધશે અને નવી રોજગારીનું સર્જન થશે. દેશના MSME ઉદ્યોગ કે જે દેશના 12 કરોડથી વધુ નાગરિકોને રોજગારી પૂરી પાડે છે, તેમને ચાર વર્ષ માટે કોઈપણ જાતની ગેરંટી વગર રૂપિયા 3 લાખ કરોડની લોન આપવાનો ઐતિહાસિક નિર્ણય દેશના MSME સેક્ટરને મજબૂત બનાવશે. આ જાહેરાત અંતર્ગત દેશના 45 લાખ MSMEને ફાયદો થશે.
કેન્દ્ર સરકારે સંકટમાં ફસાયેલા MSME માટે 20,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. જેનાથી બે લાખથી વધુ MSME યુનિટને ફાયદો થશે, તેના કારણે તેમનું અટકેલું કામ આગળ વધશે. એટલું જ નહીં, જે MSME સારો કારોબાર કરી રહ્યા છે, તેમને વધુ પ્રોત્સાહિત કરવા, તેમના આકાર ક્ષેત્રનો વિસ્તાર કરવા રૂપિયા 50 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમજ રૂપિયા 10 હજાર કરોડ ફંડસ ઓફ ફંડ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત MSMEને શેર બજારમાં લિસ્ટિંગ કરવા માટે પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા મૂડીરોકાણ અને ટર્નઓવરની મર્યાદા વધારવાથી MSME યુનિટનો કારોબાર વધશે તો પણ MSME અંતર્ગત મળતા ફાયદા મળતા રહેશે. જેનાથી સેક્ટરને ચોક્કસપણે પ્રોત્સાહન મળશે. ખાસ કરીને MSME સેક્ટર્સ માટે ફાળવવામાં આવેલા ત્રણ લાખ કરોડને લોકડાઉનન સમયમાં બંધ પડેલા MSME સેક્ટરના ઉદ્યોગ-ધંધા માટે પ્રાણવાયુ અને બુસ્ટર પૂરું પાડશે તેમ જાણકારોએ જણાવ્યું હતું.