અમદાવાદઃ અમદાવાદ જેવા મહાનગરના માર્ગની ફૂટપાથ, બાંધકામના સ્થળ, ખુલ્લા પ્લોટમાં હજારો શ્રમિકો વસવાટ કરતાં હોય છે. એક જગ્યાએ કામ પૂર્ણ થઈ જાય એટલે મજૂરોનો મુકામ પણ બદલાઇ જાય છે. રવિ મેડાના માતાપિતા દાહોદથી અમદાવાદના આઇઆઇએમ પાસે મજૂરી કરવા આવ્યાં હતાં. પણ રવિના માતાપિતા શહેરના માર્ગો પર કામ કરતાંકરતાં જ ગંભીર બીમારીનો શિકાર થયાં અને મૃત્યુ પામ્યાં. ત્યારે રવિ માંડ પાંચ વર્ષનો હતો. રવિના માતાપિતાના અવસાન પછી વૃદ્ધ નાનીમાએ તેમનો મુકામ અમદાવાદ આઇઆઇએમની સામેની ફૂટપાથને જ બનાવી દીધો છે. શ્રમિકોની વસાહત જેવી આ ફૂટપાથ પર અસંખ્ય લોકો રહેતાં હતાં. હાલ રવિ અને વૃદ્ધ મહિલા ભાનુબહેન જ રહે છે. એકદમ પોશ વિસ્તારના આ માર્ગ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ હટાવે અને પોલીસ કડક વલણ અપનાવે પણ નાનકડા રવિની સૌ સંભાળ રાખે છે. સવારના ચા-નાસ્તાથી માંડી નાનો ધંધો કરવામાં અડચણ ઉભી ન થાય એનું સૌ ધ્યાન રાખે છે.
![છત્રછાયા વગર નાનકડા વેપાર સાથે રવિ ફુટપાથ પર રહીને આત્મનિર્ભરતા મેળવી રહ્યો છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8936349_iim_ravi_gj10037.jpg)
રવિ ફૂટપાથ ઉપર રહે છે અને શાળામાં પણ જાય છે.રવિ આંબાવાડીની સરકારી શાળામાં ભણે છે. કોરોનાકાળમાં શાળાનો અભ્યાસ બંધ છે. તો નાનકડા વેપારમાં પણ બરકત નથી. જોકે એને મળીએ ત્યારે એની ભારોભાર ખુમારી કોઇને પણ સ્પર્શી જાય. દસ-અગિયાર વર્ષનો રવિ કહે છે અત્યારે વેપાર કરવા રિક્ષામાં શહેરમાં જઇ માલ લઇ આવું છું. લૉકડાઉનથી આવેલી મંદીને કારણે ખાસ કંઈ વેચાતું નથી. પણ ગામડે થોડા દિવસ જવું પડે એવું છે. આવીને વધારે માલસામાન ખરીદી વેચાણ કરીશ. નાનપણમાં જ માબાપની છત્રછાયા ગુમાવી ચૂકેલો રવિ ભણે છે. નાનીને સાચવે છે, ફૂટપાથને જ ઘર બનાવી નાનકડા વેપાર સાથે આત્મનિર્ભર થવા પ્રયાસ કરે છે.
વિધિની એ વાત છે ને કે જે સંસ્થામાં લાખોના લાખો રુપિયા ફી ભરીને જે પાઠ ભણવાના છે એ સંસ્થાની ભીંતને અડીને તેવા જ પાઠ વાસ્તવિક સ્વરુપે જિંદગી ખુદ આ નાના બાળકને મહેનતની ફૂટપટ્ટીથી ભણાવી રહી છે.