અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અપાયેલા લોકડાઉનમાં પ્રવાસની સુવિધાઓ બંધ રહી હતી. પરંતુ અનલોક-1થી જ એસ.ટી બસની સર્વિસ શરૂ કરાતા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસીઓની અવરજવર વધી છે. ત્યારે કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. તેને ધ્યાનમાં લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાણીપ, નહેરુનગર અને કૃષ્ણનગર બસ સ્ટેશન ઉપર યાત્રીઓના રેપિડ કોરોના ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. યાત્રીઓ બસમાંથી ઉતરતાં જ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જો તેઓમાં કોરોનાના લક્ષણો જણાય કે પોઝિટિવ આવે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાથી લઈને સમરસ હોસ્ટેલમાં સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે બસ સ્ટેશન ઉપર જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જ્યારે અમુક કિસ્સાઓમાં દર્દીઓ ભાગી જતાં હોવાથી પોલીસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ પ્રવાસીઓના કોરોના ટેસ્ટિંગના પરિણામથી એસ.ટી. બસોનું સંચાલન કેવી રીતે કરવું તે પણ નક્કી થઈ જશે.