અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે રાજ્યમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં પણ બુધવારે દિવસભર વરસાદી ઝાપટા વરસ્યા હતા.
આ વર્ષે સારા વરસાદથી ખેતી સારી થવાને કારણે ઉપજ પણ સારી થવાના અણસાર છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંગળવારથી સૂર્યદેવના દર્શન થયા હતા. પરંતુ મંગળવારે અને બુધવારે દિવસભર વરસાદી ઝાપટાં વરસતા રહ્યા હતા.
શહેરમાં થોડો સમય તડકા-છાયડાના ખેલ બાદ અચાનક જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઇ આવીને ઝાપટું વરસાવી દેતા હતા.
શહેરમાં સાંજ પડતાની સાથે જ વરસાદી ઝાપટું પડ્યું હતું અને નોકરીયાત લોકો છૂટતા પલળી ગયા હતા. જો કે, આ વરસાદથી અમદાવાદવાસીઓ ખુશ છે.