અમદાવાદ: શહેરમાં હાલ AMTSની 50 ટકા બસ દોડાવવામાં આવી રહી છે. પરંતુ કોરોનાના ડરથી લોકો બસમાં બેસતા જ ગભરાય છે. અગાઉ દરરોજની 750 બસ દોડાવવામાં આવતી હતી તેની જગ્યાએ હવે ફક્ત 350થી 355 બસ જ દોડી રહી છે.
AMTSની વાર્ષિક 300 કરોડની ખોટમાં આ વખતે વધારો થવાની સંભાવના છે. અનલોક બાદ બ્રિજ ક્રોસ કરવાનું ચાલુ કેમ નથી કરાયું તે બાબત આશ્ચર્યજનક છે. આમ થવાના કારણે પણ મોટા ભાગની બસ ખાલી દોડી રહી છે. આવી જ સ્થિતિ બીઆરટીએસની બસોની પણ છે.
સામાન્યપણે રોજની રૂ. 25 લાખ જેટલી આવક મેળવતી AMTS હવે માત્ર રૂ. 2.85 લાખ, રૂ. 3.50 લાખ જેટલી જ આવક મેળવી રહી છે. રજાના દિવસોમાં આ આવક વધુ ઘટી જાય છે.
તો બીજી તરફ BRTSની 251 માંથી ફક્ત 125 બસ દોડાવવામાં આવે છે. તેની આવક પણ અગાઉ 18થી 20 લાખ થતી હતી જે ઘટીને 2થી 2.25 લાખ જેવી થઈ ગઈ છે.
મહત્વનું છે કે, એપ્રિલ- મેમાં AMTSની બસો સંપૂર્ણ બંધ રહી હતી. જે પેટે તેના કોન્ટ્રાક્ટરોને રૂ. 26 કરોડ ચૂકવવાના થતા હતા. ટેન્ડરના 35 ટકા ફ્યુઅલના હોય છે તે ઉડી જાય એટલે 65 ટકા બાકી રહે તેમાં વાટાઘાટો કરી 32.50 ટકા કરી નખાયા એટલે હવે 7.80 કરોડ ચૂકવવાના થશે, જે અંગે કમિટીમાં નિર્ણય થયો છે તેમ ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું.
આવી જ પદ્ધતિ બીઆરટીએસના મેનેજમેન્ટે અપનાવી હોવાનું આસિ. કમિશ્નર વિશાલ ખનામાએ જણાવ્યું છે. જેમાં ખાનગી 600 બસોને લોકડાઉન દરમિયાનનું 70 દિવસનું ભાડું ચૂકવવામાં આવ્યું. કોન્ટ્રાક્ટ મુજબ 70 દિવસનું કુલ 7.78 કરોડ રૂપિયા ભાડુ ચૂકવવામાં આવ્યું. AMTSના ડ્રાઇવરોની સહાય માટે આ ભાડુ ચૂકવવામાં આવ્યું છે.જોકે ભાડુ ચૂકવાતા AMTSની ખોટમાં વધારો થયો છે.