અમદાવાદ: મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી મૌલિક દાની વતી વકીલ ઉત્કર્ષ દવેએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપીની પત્ની સાયકોસીસ, અનિંદ્રા, સહિતની માનિસક બીમારીઓથી પીડાઈ રહી છે, જાતે કરિયાણુંં પણ ખરીદી શકતી નથી અને તેમના દોઢ વર્ષનો પુત્રની દેખરેખ માટે કોઈ નથી. જેથી આરોપીને વચગાળા જામીન આપવામાં આવે. હાઈકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેને અરજદારના વકીલની દલીલને માન્ય રાખી માનવતાના ધોરણે આરોપીના 8 દિવસના વચગાળા જામીન મંજૂર કર્યા છે.
હાઈકોર્ટે આરોપીના જેલ રેકોર્ડની નોંધ લેતાં જણાવ્યું હતું કે, આરોપીને અગાઉ બે-વાર વચગાળા જામીન આપવામાં આવ્યાં છે, તેમ છતાં સમયસર પોલીસ સમક્ષ હાજર થઈ સરેન્ડર કર્યું છે, જેથી કેદીના સારા વર્તનની પણ કોર્ટે નોંધ લીધી હતી.
નોંધનીય છે કે, આરોપીને એકવાર 2 મહિનાના જ્યારે બીજી વખત 15 દિવસના વચગાળા જામીન મંજૂર કર્યા હતાં. હાઈકોર્ટે રૂપિયા 10 હજારના પર્સનલ બોન્ડ પર વચગાળા જામીન મંજૂર કર્યાં છે. આરોપી મૌલિક દાની દ્વારા હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી 27મી જુલાઈના રોજ નિયત કરવામાં આવી છે.