- વડાપ્રધાને ગુજરાત ભાજપના દરેક પેજ કમિટીના સભ્ય માટે પત્ર પાઠવ્યો
- ગુજરાતમાં 58 લાખ પેજ કમિટીના સભ્યો સુધી વડાપ્રધાનનો પત્ર પહોંચશે
- કોઈ પણ પક્ષ માટે સમર્પિત કાર્યકરો જરૂરી: વડાપ્રધાન
અમદાવાદઃ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ અવિરતપણે દોડી રહ્યો છે. જેને લઈને વડાપ્રધાન પણ પ્રભાવિત થયાં છે. આજે ગુરુવારે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ બિનહરીફ વિજેતા થયાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમજ આગામી વિધાનસભા અને દરેક ચૂંટણીમાં વિજય થવાનું 'બ્રહ્માસ્ત્ર' તે પેજ કમિટી છે. તેવું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કહી ચૂક્યા છે.
શું છે પેજ કમિટી
આજે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પેજ કમિટીને લઈને એક કાર્યક્રમ યોજાયો હતો. જેનું સૌથી મહત્વનું કારણ એ છે કે, વડાપ્રધાને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના પ્રોગ્રામથી પ્રભાવિત થઈને લખેલા પત્રને અનાવરણ કરવાનો હતો. પેજ કમિટી એટલે ચૂંટણીમાં દરેક બૂથ ઉપર ભાજપનો એક અધ્યક્ષ અને તે વોર્ડમાં સમાવિષ્ટ થતી વોટર યાદીમાંથી ભાજપના અન્ય 5 કાર્યકરો એમ 6 સભ્યોની કમિટી બનાવવામાં આવે છે. આમ તે દરેક વ્યક્તિ પોતાના પરિવારને પણ ભાજપ સાથે સાંકળે છે. એટલે કે, મોટાભાગના લોકો સીધા જ ભાજપ સાથે સંકળાય છે અને તે ભારતીય જનતા પાર્ટીને વોટ મળે તેવા પ્રયત્નો કરે છે. આ ઉપરાંત આ સભ્યો ભારતીય જનતા પાર્ટીનો તે પેજ કમિટી અંતર્ગત આવતા વોર્ડ તેમજ બૂથમાં સમાવિષ્ટ થતા વોટરોમાં પ્રચાર પ્રસાર કરવાનો અને વોટિંગને લઈને જવાબદારી પણ નિભાવે છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષે પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજ્યો
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ગુજરાત સરકારના પ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં વડાપ્રધાને પાઠવેલા પત્રને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટે વાંચી સંભળાવ્યો હતો.
પહેલો પત્ર નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલને અપાયો
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને વડાપ્રધાનનો પહેલો પત્ર આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતાના વિસ્તારમાં આવેલા બૂથ પરની પેજ કમિટીના અધ્યક્ષ છે, તો બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પોતાના મતદાન ક્ષેત્રના બૂથ પરની પેજ કમિટીના અધ્યક્ષ છે. જો કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના ગ્રસ્ત હોવાથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ છે. જેથી પ્રથમ પત્ર તેમના સ્થાને નાયબ મુખ્યપ્રધાનને આપવામાં આવ્યો હતો.
દરેક બૂથની પેજ કમિટીના સભ્યો સુધી પહોંચશે વડાપ્રધાનનો પત્ર
આ પત્રની કોપી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના દરેક બૂથના કુલ 58 લાખ કાર્યકર્તાઓને આપવામાં આવશે. તેમજ દરેક કાર્યકર્તા તેને ફોટોફ્રેમ કરાવીને પોતાની પાસે રાખે, તેવું આહ્વાન પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 15 લાખ પેજ સમિતી બની છે. તેના દ્વારા 2.25 કરોડ મતદારો સુધી પહોંચવાનું મહાભિયાન ચાલુ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3.5 કરોડ જેટલા મતદાતા છે. એટલે કે, ભાજપ મોટા ભાગના મતદાતાઓ સુધી પહોંચશે. આમ, માઈક્રો પ્લાનિંગથી ભાજપનો વિજય નિશ્ચિત થશે.
વડાપ્રધાનના પત્રના કેટલાક અંશો
પહેલા વડાપ્રધાને પેજ કમિટી બનાવવાના અભિયાન બદલ ગુજરાત ભાજપને અભિનંદન પાઠવ્યા છે અને ત્યાર બાદ પક્ષમાં કાર્યકારોનું મહત્વ વર્ણવ્યું છે. તે માટે વૃક્ષ અને તેના મૂળિયાનું ઉદાહરણ આપ્યું છે. તેમને પત્રમાં લખ્યું છે કે, ભાજપ પક્ષ એકલો નહીં, પરંતુ વિચાર ધારા છે. પેજ પ્રમુખ એ પરંપરાગત લોક સંપર્ક અભિયાનનું જ નવું સ્વરૂપ છે. દરેક વર્ગના સભ્યો જનસંપર્કના સરખા ભાગીદાર હોય છે. 'ગુજરાત મક્કમ, ભાજપ સાથે અડીખમ' એ માત્ર સૂત્ર નહી, ભાજપ માટે હૃદય સાથે જોડાયેલી છબી છે. આ સાથે જ વડાપ્રધાને ન્યૂ ઇન્ડિયાની યાત્રામાં સહભાગી થવા તમામ લોકોને અપીલ કરી હતી.