- 31 ઓક્ટોબરે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારી પૂર્ણ
- સી-પ્લેનનું અત્યાર સુધી 2 વખત ટ્રાયલ રન યોજાયું
- દરરોજ 4 ફ્લાઈટ ઊડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો
અમદાવાદઃ 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેનમાં જઈ સી-પ્લેન પ્રોજેક્ટને જનતા માટે ખૂલ્લો મૂકશે. વડાપ્રધાનના આગમન પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યાં સી-પ્લેન મૂકવામાં આવ્યું છે. તે જગ્યા બંને બાજુથી બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે રિવરફ્રન્ટ ખાતે ASLની મિટિંગ મળી હતી.
વોટર એરોડ્રોમમાં તમામ વિભાગના અધિકારીઓ સાથે યોજાઈ બેઠક
સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યાં વોટર એરોડ્રોમ બનાવવામાં આવ્યું છે. ત્યાં આજે તમામ વિભાગના અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં જનતા માટે સી-પ્લેનને ક્યારથી શરૂ કરવું અને દરરોજ કેટલી ફ્લાઈટ ઊડાવવી તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં રોજ 4 ફ્લાઈટ ઉડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.