અમદાવાદઃ ઘણા વિઘ્નો બાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી 5 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી હતી. જેનું પરિણામ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉથી જ ચર્ચા પ્રમાણે પ્રગતિ પેનલની ભવ્ય જીત થઇ છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની પરંપરા પ્રમાણે ગત ચૂંટણીમાં જીતેલા સિનિયર ઉપપ્રમુખ પ્રમુખ બને છે. એ હિસાબે મેઘમણી ગ્રુપના નટુ પટેલ પ્રમુખ બન્યા હતા, જ્યારે ચૂંટણીમાં ભાગ લઈને આ વર્ષે સિનિયર ઉપપ્રમુખ તરીકે હેમંત શાહ વિજય બન્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે કે.આઈ પટેલ વિજયી બન્યા છે. આ સાથે જ વિવિધ કેટેગરીમાં પણ પ્રગતિ પેનલના સભ્યોએ બાજી મારી હતી.
પરિણામ જાહેર થયા બાદ પ્રગતિ પેનલના સભ્યોએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર પેનલના સભ્યો પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જ સભ્યો છે. અહીં મતભેદ હોઈ શકે, પરંતુ મનભેદ નથી. તેમની પ્રાથમિકતા મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જે ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝના 95 ટકા જેટલી છે, તેની ઉપર કાર્ય કરવાની રહેશે.