- પશ્ચિમ બંગાળમાં આવી રહી છે વિધાનસભાની ચૂંટણી
- રાષ્ટ્રીય ભાજપનું તમામ ઘ્યાન પશ્ચિમ બંગાળ પર કેન્દ્રિત
- CM મમતા બેનર્જી પાસેથી સત્તા આંચકી લેવાનું ભાજપનું લક્ષ્ય
- પ્રદીપસિંહના બહોળા અનુભવનો લાભ ભાજપને મળશે
અમદાવાદઃ પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને ભાજપના રાષ્ટ્રીય પ્રધાન મંડળે પશ્ચિમ બંગાળના આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં બાગદા જિલ્લાના વિધાનસભાની 26 બેઠકોની જવાબદારી સોંપી છે. આ તમામ બેઠકો હાલ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાસે છે. પ્રદીપસિંહ વાઘેલાના બહોળા અનુભવનો લાભ બંગાળમાં ભાજપને મળશે. આ 26 બેઠકો પર ભાજપની જીતની જવાબદારી પ્રદીપસિંહ વાઘેલાની રહેશે.
2019ની લોકસભાની ચૂંટણીઓમાં પણ પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ હતી
પ્રદીપસિંહ વાઘેલા વર્તમાનમાં ગુજરાત ભાજપ પ્રદેશના સંગઠનમાં મહામંત્રી છે. આ ઉપરાંત તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને સભાઓ ગજવી રહ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીઓમાં પણ પ્રદીપસિંહને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી હતી.