- બે કન્ટેઈનર્સમાં ટેલકમ પાવડરની આડમાં હેરોઈન મળ્યું
- 3000 કિલો હેરોઈનની કીમત રૂપિયા 21,000 કરોડ
- ED એ મની લોન્ડરિંગ મુદ્દે તપાસ શરૂ કરી
અમદાવાદ: DRI અને કસ્ટમ વિભાગે સાથે મળીને આ ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ આપરેશન પાંચ દિવસ ચાલ્યું હતું. હાલ અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, ગાંધીધામ અને માંડવીમા તપાસ ચાલુ છે. કચ્છના બંદર પર બે કન્ટેઈનર્સની તપાસ કરી તો જાણવા મળ્યું કે, ટેલકમ પાવડરની આડમાં 21,000 કરોડ રૂપિયાનું હેરોઈન છુપાવ્યું હતું. એક કન્ટેઈનર્સમાં 2000 કિલો અને બીજા કન્ટેઈનર્સમાં 1000 કિલો હેરોઈન હતું. જે અફઘાનિસ્તાનથી મોકલાયું હોવાનું બહાર આવ્યું છે. તેને ઈરાનના બંદરથી ખાસ ગુજરાત માટે મોકલાયું હતું.
યુવાધનને બરબાદ કરવાનો કારસો
ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. તે દરિયાઈ વિસ્તારને અડીને પાકિસ્તાન બોર્ડર આવે છે. એટલે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન આ ત્રણેય દેશ દ્વારા આંતકવાદી પ્રવૃતિના ભાગ રૂપે આવી રીતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડીને યુવાધનને બરબાદ કરવાનો કારસો ઘડે છે. આ અગાઉ પણ આવી રીતે ડ્રગ્સને ગુજરાત સહિત ભારતમાં ઘૂસાડવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનમાં સત્તા પલટો પછી ડ્રગ્સ આવ્યું
તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં સત્તા પલટો થયો છે. તાલિબાનીઓએ બળજબરીથી સત્તા છીનવી લીધી છે. જેને પરિણામે ભારતને આંતકવાદી પ્રવૃતિ માટે અફઘાનિસ્તાનની ઘરતીનો ઉપયોગ થશે, તેવી ભીતિ છે. જેથી જ ભારતે સત્તાવાર નિવેદનમાં યુએન સમક્ષ કહ્યું હતું કે, આંતકવાદી પ્રવૃતિ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થાય પણ હાલ તો કોઈ વિશ્વાસ કરવા જેવો નથી. અફઘાનિસ્તાનને પાકિસ્તાન અને ચીનનો સાથ છે. જેથી ભારતને આગળ વધતુ અટકાવવા માટે પાકિસ્તાન અને ચીન કંઈ પણ કરી શકે તેમ છે. આથી ભારતે હવે દરિયાકિનારે વધુ સતર્ક રહેવું પડશે.
ચેન્નાઈના બે આરોપીની ધરપકડ કરી
માહીતિ મુજબ હેરોઈનના કન્ટેઈનર્સને આંધ્રપ્રદેશના વિજયવાડાની એક પેઢીએ આયાત કર્યા હતા. તેણે આ ડ્રગ્સના જથ્થાને ટેલકમ પાવડર જાહેર કર્યો હતો. નિકાસ કરનાર ફર્મની ઓળખ કંઘારની હસન હુસૈન લિમિટેડના રૂપમાં કરાઈ હતી. આ કેસમાં ચેન્નાઈના બે આરોપી દંપતિની ધરપકડ થઈ અને તેમને 10 દિવસના રીમાન્ડ પર મોકલી દેવાયા છે.
બે આરોપીના 10 દિવસના રીમાન્ડ, પુછપરછ શરૂ
સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીના કહેવા અનુસાર મૂળ વિજયવાડાના અને હાલ ચેન્નાઈમાં રહેતા વૈશાલી અને તેના પતિ સુધાકરની ઘરપકડ કરાઈ છે. તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા અને બન્નેના 14 દિવસના રીમાન્ડની માગ હતી પણ કોર્ટે 10 દિવસના રીમાન્ડ આપ્યા છે. ત્રણ લેયરમાં ટેલકમ પાવડરની આડમાં ડ્રગ્સ છુપાવ્યું હતું. DRI હવે આ બન્ને આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે અને તપાસ કર્યા પછી બધો ભેદ ખુલશે.
આ પણ વાંચો: કોસ્ટગાર્ડનું મધદરિયે ફિલ્મી ઢબે ઓપરેશન, 150 કરોડના ડ્રગ્સ સાથે 7 ઇરાનીની ધરપકડ
ED એ મની લોન્ડરિંગ મુદ્દે તપાસ શરૂ કરી છે
મુન્દ્રા પોર્ટ પર હેરોઈન ઝડપાયું તે કેસમાં EDએ મની લોન્ડરિંગ મુદ્દે તપાસ શરૂ કરી છે. હવે કસ્ટમ વિભાગ દ્વારા ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતાં તમામ કન્ટેઈનરની સઘન તપાસ થશે, પછી તે ડિલીવરી થશે. કોસ્ટગાર્ડ, ડીઆરઆઈ, એનસીબી સહિતની સેન્ટ્રલ એજન્સીઓ હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવ્યા પછી હવે ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓને તેમનો સાથ મળશે. જેથી તેઓ વધુ ડ્રગ્સને વાયા ગુજરાત થઈને ભારતના પંજાબ, મુંબઈ અને દિલ્હીમાં ઘૂસાડશે.
- માદક દ્રવ્યોના કેસમાં ગુજરાત મોખરે
NCRB ના રિપોર્ટ મુજબ દારૂ, માદક દ્રવ્યો અને સંબંધિત નિયમોના ઉલ્લંઘન માટે નોંધાયેલા કેસમાં ગુજરાત 2,43,135 કેસ સાથે દેશમાં ટોચ પર છે. તમિલનાડુ 1,74,032 કેસ સાથે બીજા નંબર પર અને ત્યારબાદ મધ્યપ્રદેશ (94,298) અને ઉત્તરપ્રદેશ (90,216) નો નંબર આવે છે. 2020 ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં NDPS act અંતર્ગત 308 કેસ નોંધાયા હતા. તો ડ્રગ્સની હેરાફેરીના 191 કેસ સામે આવ્યા હતા.
આ પણ વાંચો: મુન્દ્રા કેસમાં ચેન્નાઈના દંપતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા
શંકાસ્પદ વિસ્ફોટકો મળ્યા
21 સપ્ટેમ્બરે કચ્છના જખૌ નજીક ખીદરત બેટ પરથી શંકાસ્પદ વિસ્ફોટકો અને એક બોક્સ મળી આવ્યું હતું. આવા સમાચાર મળતા જખૌ મરીન પોલીસ, બીએસએફ, સ્ટેટ આઈબીની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ બોક્સ અને વિસ્ફોટક ભરેલી પાઈપ મળી આવી હતી. આ ખરેખર વિસ્ફોટક છે કે નહી તેની તપાસ એફએસએલ કરી રહી છે.
- DRIએ ગાંધીધામ ખાતે ગુનો દર્જ કરી આરોપી દંપતીની ચેન્નાઈથી ધરપકડ કરી હતી. 17 મીના રોજ ચેન્નાઈ મેટ્રો કૉર્ટમાંથી દંપતીના ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી ભુજ લઈ આવી સ્થાનિક કૉર્ટમાં રજૂ કર્યાં હતા. બંનેને કૉર્ટે પાલારા જેલમાં જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યાં બાદ આજે DRI એ તેમના 14 દિવસના રીમાન્ડ મેળવવા અરજી કરી હતી. ગુનાની ગહન તપાસ અને અન્ય લોકોની સંડોવણી જાણવા માટે દંપતીના કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂર હોતા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ભુજની ખાસ NDPS કૉર્ટના જજ સી.એમ.પવારે ગુનાની ગંભીરતાને અનુલક્ષીને દંપતીના 30મી તારીખ સુધી 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. આજે ગાંધીધામ DRI દ્વારા રિમાન્ડ દરમિયાન વધારે તપાસ કરવા માટે આજે પાલારા જેલ ખાતેથી ચેન્નઈ લઈ જવા રવાના થઈ ગયા છે તેવું પાલારા ખાસ જેલના જેલર ઘનશ્યામ અગ્રાવતએ જણાવ્યું હતું. ત્યાં તપાસ અને વધારે પૂછપરછ બાદ બહાર આવશે કે આ હેરોઈન પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલા છે.
- આ ઉપરાંત ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયામાં ફિલ્મી ઢબે ઓપરેશન કરી સફળતાપૂર્વક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું, ઈરાની બોટમાંથી 150 કરોડોનું ડ્રગ્સ સહિત 7 ઈરાનીની ધરપકડ કરવામાં આવી હતી.
- અમદાવાદમાં પણ થોડા દિવસ પહેલા બે અલગ-અલગ સ્થળથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ હતી. ગુજરાત NCB ને 20 કરોડનું કોકેઈન ડ્રગ્સ (drugs) પકડવામાં મોટી સફળતા મળી હતી.