અમદાવાદ: અમદાવાદમાં કોરોનાવાયરસ સંક્રમણના કારણે કોટ વિસ્તારમાં કરફ્યુ જાહેર કરાયો છે.જેની અંદર બહેરામપુરા વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. સરકાર દ્વારા લોકોને જીવન જરૂરિયાત વસ્તુ મળી રહે તે માટે બપોરે કોટ વિસ્તારમાં મહિલાઓને 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી બહાર નીકળીને ખરીદી કરવાની છૂટ આપી છે. પરંતુ પહેલા દિવસથી જ આ છૂટનો દુરુપયોગ જોવા મળી રહ્યો છે. કારણ કે શાકભાજીની લારીઓ ઉપર લોકો ટોળે વળ્યા હતા. જેના કારણે સોસિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો છે.
પરિણામે તેને લઈને સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. આ વાત કાગડાપીઠ પોલીસના ધ્યાનમાં આવી હતી. કાગડાપીઠ પોલિસમથકના પીઆઈ યુ ડી જાડેજાએ જણાવ્યું હતું કેે આ ભીડને અટકાવવા માટે ઉપરી અધિકારીઓ સાથે મળીને એક યોજના બનાવી.
તે મુજબ દરેક શાકભાજીના વેચાણકર્તાઓ માટે રોડ ઉપર નંબર દોરી દેવામાં આવ્યાં છે. જે લગભગ 15 થી 20 ફૂટના અંતરે છે. નંબર પ્રમાણે જ શાકભાજીના વેચાણકર્તાઓએ ત્યાં વેચાણ કરવું પડશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંંગ પણ જળવાઈ રહે અને શાકભાજી લેવા આવનાર લોકો અલગઅલગ વહેંચાઈ જતા ભીડ પણ ઓછી થાય.
પોલીસ દ્વારા કરવામાં આવેલ આ વ્યવસ્થાને શાકભાજીના વેચાણકર્તા તેમ જ સ્થાનિકો નાગરિકો બંને અનુસરી રહ્યાં છે. તો ઘણાં લોકોએ પોલીસના આ પ્રયોગની પ્રશંસા કરી હતી.