અમદાવાદઃ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં PCRમાં ફરજ બજાવતા રાકેશ નામના કોન્સ્ટેબલે રવિવારની રાત્રીએ દારૂ પીને નશાની હાલતમાં ગાડી લઈને કાગડાપીઠ વિસ્તારમાં આવ્યા હતા. જે બાદ સ્થાનિક લોકો સાથે ઘર્ષણ પર ઉતરી ગયા હતા. આ મામલે કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. જેથી અન્ય એક PCR વાન બનાવ સ્થળે પહોંચી હતી અને રાકેશ નામના કોન્સ્ટેબલ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ખાખી વર્દી ડૂબી દારૂના નશામાં...
- ગુજરાતમાં દારૂબંધી છતાં પોલીસ કરી રહી છે દારૂનો નશો
- પીધેલી હાલતમાં અમદાવાદ પોલીસની દાદાગીરી સામે આવી
- પોલીસે નશાની હાલતમાં સ્થાનિકો સાથે કરી રકઝક
- બીજી ઘટનામાં પોલીસે મહિલા સાથે નશાની હાલતમાં કરી માથાકૂટ
શહેરના બીજા કિસ્સામાં વાડજ પોલીસને મેસેજ મળ્યો હતો કે, એક હેડ કોન્સ્ટેબલ મુકુંદ કુમાર દારૂ પીને એક મહિલા સાથે માથાકૂટ કરી રહ્યા છે. જે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કોન્સ્ટેબલની અટકાયત કરી હતી. જે બાદ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવનારી પોલીસ જ દારૂ પીને જાહેરમાં ધમાલ મચાવે છે. થોડા દિવસો અગાઉ પણ નિકોલમાં એક ASI જાહેરમાં બેસીને દારૂ પી રહ્યા હતા. ત્યારે આવા અનેક કિસ્સા સામે આવતા પોલીસ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.