જયંતી ઠાકોર નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે કે, ફેબ્રુઆરી 2017માં તેમનો સંપર્ક બનાસકાંઠાના પરેશ ઠાકોર સાથે થયો હતો. પરેશ ઠાકોરે તેમને કહ્યું હતું કે, તેની કોર્પોરેશનમાં ઓળખાણ છે અને તે કોર્પોરેશનના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવવાની કામગીરી કરે છે. જયંતીને મકાન લેવાનું હોવાથી તેમણે પરેશ ઠાકોરને જાણ કરી હતી. પરેશે તેમને સાડા બાર લાખ રૂપિયામાં મકાન મળશે તેમ કહીને પહેલા 10 દિવસમાં રૂપિયા 2 લાખ અને ત્યાર બાદ એક મહીના પછી રૂપિયા 2 લાખ આપવાથી પઝેશન લેટર મળી જશે તેમજ બીજા પૈસાની લોન કરાવી આપાવનું જણાવ્યું હતું.
આરોપીની વાતોમાં આવીને જયંતીએ ટુકડે ટુકડે ૪ લાખ રૂપિયા આપી દીધા હતા જેના બદલામાં આરોપીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૈસા મળ્યાની પહોંચ તેમજ ડે. એસ્ટેટ ઓફિસર, એસ્ટેટ ટીડીઓ દક્ષિણ ઝોનનું ફાળવણી પત્રક પણ આપ્યું હતું. પત્રકમાં ફરિયાદીનું નામ તેમજ ફાળવેલા આવાસની વિગતો પણ દર્શાવી હતી. આરોપીએ મકાનની ચાવી એક અઠવાડીયા પછી આપવાનું જણાવ્યું હતું. જોકે, ત્યારબાદ પરેશભાઇનો સંપર્ક કરતા તેમનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. જેથી જયંતી આરોપીના વતનમાં તપાસ કરતાં તેઓ ત્યાં મળી આવ્યા હતાં. જ્યાં આરોપીએ કહ્યું હતું કે, તેણે જે સાહેબને પૈસા આપ્યાં હતાં તેમની બદલી થઇ ગઇ છે. આથી તેઓ છ મહીનામાં પૈસા પરત આપી દેશે. જેથી આરોપીએ છેતરપિંડી કરી હોવાની જાણ થતાં જયંતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપેલ છે. પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.