- કોરોના દરમિયાન આરોપીઓને પકડવામાં પોલીસ ખચકાય છે
- અમદાવાદમાં 400 જેટલા પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ
- કોરોનાકાળમાં આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવવા પડે છે
અમદાવાદ: કોરોના અગાઉ પોલીસ જવાનો દ્વારા આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી. જોકે, કોરોનાકાળમાં આરોપીની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ પૂછપરછ કરવામાં આવે છે અને જો કોઈ આરોપી કોરોના પોઝિટિવ આવે તો તેને સરવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ ઉપરાંત બને ત્યાં સુધી આરોપીઓને પોલીસ જવાનોથી દૂર રાખવામાં આવે છે. જેથી કરીને કોઈ પણ પોલીસ જવાન કોરોના સંકમિત ન થાય. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં થર્મલ ગન દ્વારા પોલીસ સ્ટેશનમાં આવતા જતા લોકોનું ટેમ્પરેચર માપવામાં આવે છે અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે પોલીસકર્મીઓ માટે ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
કોરોનાથી મૃત્યુ પામનારા પોલીસ કર્મીઓને સહાય પણ કરવામાં આવે છે
આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, હાલમાં આરોપીઓની ધરપકડ કરવા જતાં પોલીસ ખચકાય છે. કારણ કે, પોલીસ જવાનો પણ આખરે માણસ જ છે. કેમ કે કોઈ આરોપી કોરોના પોઝિટિવ હોય અને તેની ધરપકડ કરવામાં આવે તો પોલીસ જવાન પણ કોરોનાનો શિકાર બને છે. એટલે કે કોરોનાકાળ પહેલા જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવતી હતી, હાલમાં તેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી. હાલ અમદાવાદમાં 400 જેટલા પોલીસકર્મીઓ પોઝિટિવ છે. આ ઉપરાંત કોરોનામાં જે પોલીસ કર્મીઓના મૃત્યુ થયા છે. તેમને સન્માન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમના પરિવારજનોને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાંત્વના પાઠવે છે. ત્યારે પોલીસ દ્વારા જેટલી મદદ થાય તેટલી મૃત્યુ પામનાર પોલીસ જવાનના પરિજનોને કરવામાં આવે છે.