- સલામતીના ભાગરૂપે ધોલેરાના 962 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા
- ધોલેરામાં કુલ 38 આશ્રયસ્થાનો આશ્રિતોની સેવામાં કાર્યરત
- તમામ વ્યક્તિઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા બાદ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા
અમદાવાદઃ તૌકતે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત 06 ગામોના 962 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનુ અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ દીવ કલેક્ટર દ્વારા વાવાઝોડાને લઇને લોકોને મુશ્કેલી ના પડે તે માટે આગવું આયોજન કરાયું
138 ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સલામત સ્થળોએ ઊભા કરવામાં આવેલા આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં રાહતળાવ, બૂરાનપૂર, પીપળી, આમલી, ગોગલા, મહાદેવપુરા ગામના 138 ગ્રામજનો, ધોલેરા સ્થિત ટાટા સોલર કંપની અન્ય ખાનગી કંપનીમાં કામ કરતા 824 શ્રમિકોનો સમાવેશ થાય છે.
કોવિડ પોઝિટિવ દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં મુકાશે
ધોલેરામાં 'મલ્ટી પર્પસ સાઈકલોન સેન્ટર' છે, જ્યાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ તમામ વ્યક્તિઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.
આ તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રેપિડ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ જણાઇ આવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં સ્થળાંતર કરીને સારવાર અર્થે મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર સ્થળાંતર કામગીરી દરમિયાન એક પણ કોરોના સંક્રમિત- પોઝિટિવ કેસ નોંધાયો નથી.
અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરાયાં
આ 6 ગામોમાં કાર્યરત ફુલ 38 આશ્રયસ્થાન કેન્દ્રો 2,400 જેટલા લોકોને સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. સેવાભાવી સંસ્થાના સહયોગથી 4થી 5 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવશે. આશ્રય સ્થાનોમાં રહેલા તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.