અમદાવાદ: હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તમામ કેદીઓને બંધારણની કલમ 21 મુજબ સમાન ગણવા જોઈએ અને જે રીતે કાચા કામના કેદી એટલે કે અંડર ટ્રાયલ કેદીઓને હાઈકોર્ટ દ્વારા બે-વાર વચગાળા જામીન લંબાવી રાહત આપી છે, એ જ રીતે દોષિત, ડિટેઇન, અને અન્ય આરોપીઓની વચગાળા જામીન, ફરલો અને પેરોલ લંબાવવામાં આવે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે 29મી જૂનના રોજ કરેલા આદેશમાં અંડર ટ્રાયલ કેદીઓના 31મી ઓગસ્ટ સુધી વચગાળાના જામીન વધાર્યા હતાં.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના મહામારીને લીધે જેલમાં બંધ કેદીઓને પણ કોરોના થઈ રહ્યો છે, ત્યારે તેમના સ્વાસ્થ્યને પણ જોખમ છે ત્યારે તેમના વચગાળા જામીન અને પેરોલ વધારવામાં આવે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીના આધારે કોર્ટે કાચાકામના કેદીઓના વચગાળા જામીન 45 દિવસ સુધી વધારી આપ્યાં હતાં.