- ઓવૈસી આજે ભરૂચ અને અમદાવાદમાં રેલીઓને સંબોધન કરશે
- AIMIM અમદાવાદની 6 અને ભરૂચની તમામ સીટો પર લડશે
- ઓવૈસીની ગુજરાતમાં એન્ટ્રી થતા રાજકીય સમીકરણો બદલાય તેવી સંભાવના
અમદાવાદ: ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-ઉલ મુસ્લિમીન(AIMIM)એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી(BTP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જેને ધ્યાનમાં રાખીને AIMIMનાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ઓવૈસીના આગમન માટે અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં એક મોટો સ્ટેજ બાંધવામાં આવ્યો છે. જેની સાથે 10 હજાર ખુરશીઓ, 450 લાઈસ્ટ, 4 LCD સ્ક્રીન અને 40 સોફા રાખવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે સભાને સંબોધશે
ઓવૈસી આજે ભરૂચમાં રેલીને સંબોધન કર્યા બાદ સાંજે અમદાવાદ ખાતે રોડ શૉમાં ભાગ લેશે. અમદાવાદ ખાતે ઓવૈસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે 6 કલાકે રેલીને સંબોધશે. રેલી માટે AIMIMને સ્થાનિક પોલીસની પરમિશન મળી ગઈ છે. આ રેલીમાં અમદાવાદનાં જુહાપુરા, સરખેજ, જમાલપુર ,દરિયાપુર ,શાહપુર, ગોમતીપુર, રખિયાલ જેવા મુસ્લિમ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અને AIMIMનાં કાર્યકર્તાઓ જોડાશે.
ઓવૈસી અને બીટીપીનાં ગઠબંધનથી ભરૂચ જિલ્લામાં અન્ય પાર્ટીઓને નુક્સાન થશે
આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ રાજ્યના રાજકારણમાં ખૂબ મહત્વની સાબિત થશે. ઓવૈસીની ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાતથી રાજકીય સમીકરણોમાં પરિવર્તન થવાની પૂરેપૂરી સંભાવના છે. AIMIM અમદાવાદની 6 સીટો અને ભરૂચની તમામ સીટો પર ચૂંટણી લડશે. આપને જણાવી દઈએ કે, ઓવૈસી તેમના કડક વલણ માટે જાણીતા છે અને તેમની પાર્ટી મતદારોના ધ્રુવીકરણ માટે જાણીતી છે. ઓવૈસી અને બીટીપીનું ગઠબંધન થતાં ભરૂચ જિલ્લા પાલિકાની ચૂંટણીઓ અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર ઘેરી અસર પડે તેવી શક્યતા છે.