- Dy CM નીતિન પટેલ સિવિલની મુલાકાતે
- કોરોનાની તમામ પરિસ્થિતિઓ સામે લડવા સરકાર સજ્જ
- ચાર-પાંચ દિવસના ટૂંકાગાળાની કામગીરીના નિર્દેશો આપ્યાં
- સિવિલને બદલે અન્ય બે હોસ્પિટલો તરફ દર્દીને લઇ જવા અપીલ કરી
- સિવિલમાં વધુ એક કોરોના ICU વોર્ડ ખોલાશે
અમદાવાદઃ શહેરમાં તહેવારોના માહોલ વચ્ચે લગભગ તમામ બજારો અને માર્ગો પર લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે છૂપો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, આ કોરોનાને ખુલ્લું આમંત્રણ છે. આ ભય સાચો પડી ગયો છે. દીવાળી અને બેસતાં વર્ષના દિવસમાં જ શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યાં છે. છેલ્લા 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધેલી સંખ્યાની ગંભીરતા પારખી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શહેરની સિવિલ સંકુલની તમામ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો સાથે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત
નાયબ મુખ્યપ્રધાન સાથેની આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની સાથે ઉચ્ચસ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમીક્ષા બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે ઊંડાણથી ચર્ચા કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન ICU અને વેન્ટીલેટરની જરૂરિયાત ઉભી થાય તેવા અતિગંભીર સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વધુ સઘન અને સરળ સારવાર મળી રહે તે હેતુથી વિશેષ ઉપાયો શું થઇ શકે તેની પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
છેલ્લાં 3 દિવસમાં કોરોના દર્દીઓમાં વધારો
ગાંધીનગરમાં પણ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટી દ્વારા કોવિડની રાજ્ય સ્તરની પરિસ્થિતિની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. નાયબ સીએમ નીતિન પટેલે કહ્યું કે, તહેવારના માહોલ વચ્ચે રાજ્યભરમાં છેલ્લાં 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ઘણી ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થિતિ કથળતાં અને ગંભીર બનતાં તેવા દર્દીઓને અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. જે કારણોસર 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો ઘસારો વધ્યો છે. નૂતનવર્ષના પ્રારંભે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે. તેને વધુ સઘન બનાવવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. અમદાવાદ અને ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં 300 થી વધુ દર્દીઓને અતિગંભીર સ્થિતિમાં પણ સારવાર મળી રહે તે માટેની તમામ સુવિધા ઉપલબ્ધ છે.
1200 બેડ હોસ્પિટલની તાજા સ્થિતિ જણાવાઈ
નાયબ મુખ્યપ્રધાને સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ કેટલીક વિગત જાહેર કરી હતી. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા તેમણે કહ્યું કે, અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હાલ 581 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 170 દર્દીઓ ICU વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યાં છે. 1200 બેડ હોસ્પિટલમાં કૂલ 284 વેન્ટિલેટરની સુવિધા છે. જેમાં 78 વેન્ટિલેટર પર કોરોનાગ્રસ્ત વધુ ગંભીર પરિસ્થિતિઓમાં આવતા દર્દીઓને સારવાર આપી શકાય છે.
નાયબ મુખ્યપ્રધાને સિવિલ સિવાયની હોસ્પિટલમાં જવા અનુરોધ કર્યો
અમદાવાદ પશ્ચિમમાં આવેલા સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 450 પથારીઓની વ્યવસ્થા છે. જેમાંથી 188 દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 80 ICU વેન્ટિલેટરની વ્યવસ્થા છે. જેમાંથી 17 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યાં છે. ગાંધીનગર મેડિકલ કોલેજમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 300 પથારીની વ્યવસ્થા છે. જેમાંથી 196 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અહીં 100 વેન્ટિલેટર, ICUની વ્યવસ્થા છે. જેમાંથી ફક્ત 20 વેન્ટિલેટર પર દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ ગ્રામ્યમાંથી કોરોનાની સારવાર અર્થે 1200 બેડ હોસ્પિટલમાં આવતા દર્દીઓના ઘસારાને ટાળવા માટે શહેરની સોલા સિવિલ અને ગાંધીનગર મેડિકલ કોલેજમાં પણ સારવાર મેળવવા માટે અનુરોધ કર્યો હતો.
ગંભીર રોગો સાથે આવતા કોરોના દર્દીઓ માટે સજ્જતા
આગામી સમયમાં અમદાવાદ સિવિલ સંકુલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘસારાને ધ્યાને લઇને 50 થી 100 પથારી ધરાવતાં વેન્ટિલેટર સહિતના અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવનારા હોવાનું ઉમેર્યુ હતું. અમદાવાદ સિવિલ સંકુલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત પ્રસૂતા અને બાળકો માટે, ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કિડની હોસ્પિટલ અને કેન્સર સાથે કોરોનાગ્રસ્તની સારવાર કરવા માટે કેન્સર હોસ્પિટલ સજ્જ હોવાનું ઉમેર્યુ હતું.
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ વધારાશે
તહેવારો નિમિત્તે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જણાઇ આવતા ટૂંક સમયમા જ રાજ્યસ્તરે કોરોના ટેસ્ટિંગમાં વધારો કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં જરૂર જણાઇ આવતાં વધુ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવશે તેમ પણ નીતિન પટેલે કહ્યું હતું. નાયબ મુખ્યપ્રધાને તહેવારોમાં એક પણ દિવસની રજા ન રાખીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા માટે રાતદિવસ સજ્જ મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફની ખંતપૂર્વકની કામગીરીને બિરદાવી હતી.