- SVP હોસ્પિટલમાં અન્ય વિભાગો શરૂ કરાશે
- કોરોનાના કારણે બંધ કરવામાં આવ્યા હતા અન્ય વિભાગ
- અમદાવાદમાં કોરોના કેસની સ્થિતિ આવી રહી છે કાબૂમાં
અમદાવાદ: માર્ચ-2020થી અમદાવાદમાં વધેલા કોરોનાના કેસને કારણે શહેરની SVP હોસ્પિટલમાં કોરોના સિવાયની સારવાર માટે OPD બંધ રાખવામાં આવી હતી. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં તંત્ર દ્વારા આવતીકાલ મંગળવારથી અન્ય વિભાગો પણ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
મંગળવારથી અન્ય વિભાગો શરૂ કરાઈ શકે છે
શહેરમાં માર્ચ-2020 બાદ વધેલા કોરોનાના કેસને કારણે તંત્ર દ્વારા અનેક હોસ્પિટલોમાં ફક્ત કોવિડની સારવાર ઉપલબ્ધ કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. જે પૈકી વિવિધ હોસ્પિટલમાં 12 હજારથી વધુ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. હવે કોરાણાના કેસમાં આંશિક ઘટાડો થતાં તંત્ર દ્વારા આવતીકાલ મંગળવારથી જનરલ મેડિસિન, ગાયનેક સહિતના વિભાગને ફરી શરૂ કરવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
હાલમાં મા કાર્ડ યોજના સહિતની કામગીરી ચાલુ કરાશે નહીં
મહત્વનું છે કે, કોરોનાના દર્દીઓની સાથે અન્ય વિભાગો પણ સારવાર માટે ચાલુ કરાશે. જોકે હાલમાં મા કાર્ડ યોજના સહિતની કામગીરી ચાલુ કરવામાં નહીં આવે. સાથે જ કોરોનાના દર્દીઓનું સંક્રમણ અન્ય દર્દીઓ ફેલાય નહીં તે માટેનું ખાસ આયોજન કરવામાં આવશે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.