અમદાવાદ:વર્તમાન સમયમાં ભારત દેશ સહિત સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી અને તેની અસરો સામે ઝઝૂમી રહ્યું છે. ગુજરાતમાં લોકડાઉન અમલમાં મુકાયું છે. તેના પગલે શાળામાં શિક્ષણ કાર્ય અને વાર્ષિક પરીક્ષાને તેની અસર ન પડે તે માટે આ સમયમાં બાળકો યોગ્ય રીતે શિક્ષણ મેળવે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરે તે અનુસંધાને એસાઈમેન્ટ લખવા વોટ્સઅપ ગ્રુપ બનાવી કાર્ય કરાવાનો નિર્ણય લેવાયો.
![online summer camp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-19-online-study-photo-story-7204015_29052020175944_2905f_1590755384_458.jpg)
અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના આ નવતર પ્રયોગમાં જોત જોતામાં રાજ્યના 27 જિલ્લાના 1200થી વધુ વિદ્યાર્થીઓ અને 300 શિક્ષકો તેમાં જોડાઇને શિક્ષણની સાથે સાથે અન્ય ઈતર પ્રવૃત્તિઓના અનુભવોનું આદાન પ્રદાન કરતા થયા છે.
આ અંગેની વિગતો આપતા રોપડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્નિશિથ આચાર્યએ જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ આખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 'બાળકો સાથે ગ્રુપ વોટ્સએપ કોલિંગ કરી ઓનલાઈન ભણવાનું શરૂ કર્યું અને રિવિઝન કરાવવાનું નક્કી કર્યું . ત્યારબાદ અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળા દ્વારા બાળકો માટે વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંગે આયોજન કરવાની સાથે સાથે ઓનલાઈન સમર કૅમ્પનો વિચાર પણ આવ્યો.
![online summer camp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-19-online-study-photo-story-7204015_29052020175944_2905f_1590755384_89.jpg)
આઇ.આઇ.એમ. અમદાવાદ અને ગાંધીનગર તથા અમદાવાદ સાથે અન્ય જિલ્લાના અધિકારી દ્વારા ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. અત્યારે બાળકો અવનવી પ્રવૃતિ સાથે સાથે વિવિધ ભાષાનું વ્યાકરણ અને શ્રીમદ્ ભગવદ્દગીતાના પાઠ શીખી રહ્યાં છે. બાળકોએ પૂર્ણ કરેલ ગૃહકાર્યના ફોટો મંગાવી ડિજિટલ રીતે ચેક કરી કાર્યની નોંધ લેવાય છે. હવે જો કોવિડ 19થી સંક્રમણ વધે તો તેવા સંજોગોમાં શાળા સમયસર ના ખુલે તો તેના માટે પણ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ગૂગલ મીટ, ગૂગલ કલાસરૂમ, ઝૂમ અને શૈક્ષણિક વીડિયો બનાવી તેને યુ-ટ્યુબ પર અપલોડ કરી વિવિધ શૈક્ષણિક માધ્યમનો ઉપયોગ કરી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા કટિબદ્ધ બન્યા છે.