અમદાવાદ: શહેરમાં કોરોના વાઈરસના કેસનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. આ દરમિયાન કોરોના વોરિયર ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મી પણ કોરોના વાઈરસમાં સપડાયા છે ત્યારે શહેરમાં કોરોનાએ વધુ એક પોલીસ કર્મીનો ભોગ લીધો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગિરીશ બારોટનું કોરોનાથી નિધન થયું છે.
ASI ગિરીશ ભાઈ બારોટનો ચાર દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને લીવરની પણ તકલીફ હતી. ત્યારબાદ કોરોનાની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતજીનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું. આમ અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાએ ત્રણ પોલીસકર્મીઓનો ભોગ લીધો છે.
અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે, જેમાં અનેક પોલીસકર્મી પણ છે અને તેમની સારવાર ચાલી રહી છે. કોરોનાને કારણે 669 જેટલા વ્યક્તિઓના મોત થયા છે, જેમાં ૩ કોન્સ્ટેબલ સામેલ છે.