અમદાવાદઃ રાજયમાં દારૂબંધીને લઈને વારંવાર અનેક સવાલો થયા છે. હજૂ નરોડા પોલીસ સ્ટેશનના ASIનો ખુલ્લેઆમ દારૂની મહેફીલનો વીડિયો ભૂલાયો નથી, ત્યાં દારૂ માટે કુખ્યાત એવા ગીતામંદિર પાસેના કાંતોડિયા વાસમાં એક પોલીસ કર્મચારી સરકારી કારમાં દારૂ પીધેલો જોવા મળ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.
જો કે, ઈટીવી ભારત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ વીડિયોમાં પોલીસ કર્મચારી હાથજોડી રહ્યો છે અને પબ્લિક કહી રહી છે કે, પોલીસ કર્મચારીએ દારૂના નશામાં લોકોને લાઠીથી માર માર્યો છે.
વીડિયોમાં સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા કે, પોલીસ કર્મચારીઓ દારૂના હપ્તા લઈ જાય છે, છતાં પણ નશાની હાલતમાં પબ્લિક ઉપર દંડાવાળી કરે છે. એવામાં સહજ એક પ્રશ્ન ઉદભવે કે, શું ગાંધીના ગુજરાતમાં દારૂનો મસ્ત મોટો વેપાર કરાવનાર પોલીસ જ છે?
દરવર્ષે દારૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન બોલી રહ્યા છે કે પોલીસ સતર્ક છે અને દારૂ વેચનારાઓને છોડવામાં નહીં આવે. જેથી હવે વાઇરલ થયેલા વીડિયો સામે કઈ રીતની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.