અમદાવાદઃ શહેરના ચીરીપાલ ગ્રુપમાં શનિવારે ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના નારોલ પીરાણા રોડ પર આવેલી નંદન ફેક્ટરીની અંદર વહેલી સવારે જ આગ ભભૂકી ઉઠતા અમદાવાદ શહેર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મહત્વનું છે કે, આગની ઘટનામાં ફાયરનો એક જવાન ઈજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ચીરીપાલ ગ્રુપમાં આગ લાગવાનો આ કોઈ પહેલો બનાવ નથી. આ અગાઉ પણ અનેક વખત આગ લાગી હતી. જેમાં 7 લોકોનાં મોત થયાં હતા. જેને લઇ ચીરીપાલ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઇ હતી.
NSUI દ્વારા ચીરીપાલ ગ્રુપમાં સતત લાગી રહેલી આગને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગત 6 મહિનામાં સતત ત્રીજી વખત આગ લાગવાથી NSUIએ વીમો પકવવા આગ લાગતી હોવાના ષડયંત્રનો આક્ષેપ પણ કર્યો હતો.
NSUIએ કહ્યું કે, ચીરીપાલ ગ્રુપના ડિસેક્ટર પૂર્વ DGP હોવાથી પોલીસ કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરતી નથી. વધુમાં NSUIએ સરકારને આગામી 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું અને જણાવ્યું કે, યોગ્ય કાર્યવાહી નહીં થવા પર મુખ્યપ્રધાનના નિવાસ્થાનનો ઘેરાવો કરવામાં આવશે.