અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તાર અને કન્ટેન્ટમેન્ટ ઝોન માટે વિવિધ નિર્ણયો લેવાયા છે. અમદાવાદમાં નક્કી કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તિ તેમના વિસ્તારમાંથી બહાર નીકળી શકશે નહીં. અર્થાત નોકરી માટે પણ આવી શકશે નહીં. અમદાવાદ શહેરના 10 કન્ટેન્ટમેન્ટ વોર્ડ તેમજ એક કન્ટેન્ટમેન્ટ પોકેટ વિસ્તાર જેવા કેસ ખાડિયા, અસારવા, જમાલપુર, શાહપુર, દાણિલીમડા, બહેરામપુરા, દરિયાપુર, મણિનગર, ગોમતીપુર, સરસપુર- રખિયાલ એમ કુલ 10 વોર્ડ તથા ગુલબાઈ ટેકરાના સ્લમને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયાં છે.
અમદાવાદ શહેર માટે મ્યુનિસિપલ કમિશનરે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે, સાબરમતી નદીના પૂર્વ ભાગમાં આર્થિક પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપવામાં આવી નથી. કન્ટેન્ટમેન્ટ વોર્ડ સિવાયના પૂર્વ વિસ્તારના વોર્ડ શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપા નગર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, સરદારનગર, નરોડા, ભાઈપુરા હાટકેશ્વર, અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ – હાથીજણ, ઈન્દ્રપુરી, ખોખરા, ઈસનપુર, વટવા, લાંભામાં માત્ર આવશ્યક સેવાઓ જેવી કે શાકભાજી, ફળફળાદિ, મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાન, હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિશનર્સ વગેરે જ સવારના 8થી બપોરના 4 વાગ્યા સુધી રહેશે.
અમદાવાદ પૂર્વમાં 10 વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પૂર્વમાં રહેતાં અને પશ્ચિમમાં ધંધોરોજગાર કરતાં વ્યક્તિઓ પોતાના ધંધારોજગાર માટે પશ્ચિમ વિસ્તારમાં જઈ શકશે પરંતુ આવી વ્યક્તિઓ જો કન્ટેન્ટમેન્ટ ઝોન એટલે કે યાદી મુજબના 10 વોર્ડ વિસ્તારોમાં રહેતાં હોય તો તેઓ બહાર નીકળી શકશે નહીં.
અમદાવાદ શહેરના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ જેવી કે શાકભાજી, ફળફળાદી, મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાન, હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિશનર્સ સવારના 8થી બપોરના 3 વાગ્યાં સુધી ચાલુ રહેશે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં રહેતી કોઈપણ વ્યક્તિ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય ક્યાંય બહાર અવરજવર કરી શકશે નહીં.