- બાળકીએ 35 દિવસ સારવાર દેવામાં આવી
- બાળકીએ 3 રોગ સામે લડીને વિજય મેળવ્યો
- જન્મના 23માં દિવસે બાળકીએ કર્યું સ્તનપાન
અમદાવાદ: મહેમદાબાદના જાવેદ કુરેશીના ઘરે બાળકીનો જન્મ થયો હતો. 30 એપ્રીલના રોજ જન્મેલી બાળકીના આગમનથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ, આ ખુશીઓની સાથે કેટલીક મુસીબતો પણ સાથે આવી હતી. 2.5 કિ.ગ્રા વજન ધરાવતી આ શ્રમિક પરીવારની બાળકી સ્તનપાન કરી શકે તેમ ન હતી. જેના કારણે, બાળકીનું પેટ ફૂલવા લાગ્યું હતું. ત્યારબાદ, તેને ઉલટી થવાનું શરૂ થયુ હતું. જે કારણોસર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવી પડી હતી. અહીં આવ્યા ત્યારે વિવિધ રીપોર્ટ અને સોનોગ્રાફી કરાવ્યા બાદ બાળકીને આંતરડામાં રૂકાવટ હોવાનું નિદાન થયુ હતું. જે કારણોસર જ બાળકી ધાવણ લઇ શકવા સક્ષમ ન હતી.
બાળકીની સર્જરીમાં વધી હતી જટિલતા
બાળકીની સારવાર માટે સર્જરી કરવી આવશ્યક બની રહી હતી. સર્જરી પૂર્વે બાળકીનો કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવતા તે પણ પોઝિટિવ આવી હતી. આથી બાળકીની સર્જરીમાં જટીલતા વધી ગઇ હતી. આ બાદ, કોરોનાગ્રસ્ત નવજાત શીશુની સર્જરી કરવી આવશ્યક બની હતી.
આ પણ વાંચો: SVP હોસ્પિટલના ડોક્ટરોને મળી મોટી સફળતા: કોરોનાગ્રસ્ત મહિલાની પ્રસૂતિ સર્જરી, માતા-શિશુ બંને સ્વસ્થ
બાળકીના નાના આંતરડાનો પૂર્ણ વિકાસ થયો ન હતો
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ આ પડકાર ઝીલીને જોખમ લઇને સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે, બાળકીના નાના આંતરડામાં પૂર્ણરૂપે વિકાસ થયો ન હતો. જે કારણોસર બાળકીને ધાવણમાં તકલીફ પડી રહી હતી. જે માટે આંતરડાના ખરાબ ભાગને સર્જરી દરમિયાન કાઢી નાંખવામાં આવ્યુ હતું. બાકી બચેલા સારા ભાગને આંતરડાના અન્ય ભાગ સાથે જોડવામાં આવ્યું હતું.
PPE કિટ પહેરીને ડૉકટર્સએ સર્જરી કરી
સમગ્ર સર્જરી 2થી 3 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં પણ બાળકોની સર્જરીની જટીલતા અને સંવેદનશીલતા વધુ રહેતી હોય છે. ત્યારે, PPE કીટ પહેરીને 3 કલાક બાળકીની સર્જરી હાથ ધરવી તે પડકારજનક બની રહી હતી. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સથેટિક વિભાગ એસોસિએટ પ્રોફેસર ડૉ. મૃણાલીની શાહની ટીમના સહયોગથી અત્યંત જટીલ કહી શકાય તેવી આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં પાડી હતી.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MIS-C રોગથી બે બાળકોના મૃત્યુ થતા છવાયો માતમ
બાળકીના બ્લડમાં ફેલાયું હતું ઈન્ફેક્શન
સર્જરી બાદ પોસ્ટ ઓપરેટીવ કેર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં બાળકીને નવજાત શિશું કેરમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન, બાળકીને સેપ્સીસ( બ્લડમાં ઇન્ફેકશન ફેલાવું)ના કારણે વજન પણ ઘટવા લાગ્યુ હતું. આ તમામ પરિસ્થિતને નિયંત્રણમાં લેવા અને દિકરીને મોતના મુખમાંથી ઉગારવા બાળ રોગ તબીબ ડૉ. ચારૂલ મહેતા અને તેમની ટીમ દ્વારા ભારે ઇન્જેકશન અને સપોર્ટીવ સારવાર આપવામાં આવી હતી. આખરે 35 દિવસની સતત અને સઘન સારવારના અંતે દિવસે દિકરી સ્વસ્થ થઇને ઘરે પરત ફરી હતી.
23 દિવસે બાળકીને માતાનું ધાવણ મળ્યું
બાળકને જન્મના 17માં દિવસે પાઇપના માધ્યમથી ધાવણ આપવામાં આવ્યુ હતું. આ બાદ, જન્મના 23માં દિવસે માતાનું પ્રથમ વખત ધાવણ નસીબ થયું હતું. જન્મનાં 23માં દિવસે ધાવણ આપતી વખતે માતા અને બાળકી વચ્ચે અશ્રુસહિતની લાગણીઓનો સંવાદ સધાયો હતો. બાળકીની માતાએ લગીરેય વિચાર્યુ ન હતું કે હું મારા બાળકીને સ્તનપાન કરાવી શકીશ.
આ પણ વાંચો: નર્સ ઝેબાએ રમઝાનના રોઝાની સાથે જ કોરોનામાં ફરજ બજાવી
10 હજાર બાળકોમાંથી 2 બાળકોમાં જોવા મળે છે આ રોગ
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, ઇલીયલ અટ્રેસીયા નામની બિમારી 10 હજાર નવજાત બાળકોમાંથી 2 બાળકોમાં જોવા મળે છે, જેની સર્જરી અતિ જટીલ બની રહે છે. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં અત્યંત જૂજ જોવા મળતી ઘણી સર્જરી હાથ ધરવામાં આવી છે.