- કોરોના વાઈરસ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે
- શરદી, ખાંસી, તાવ કે ઝાડાની ઉપેક્ષા ન કરો, આઇસોલેટ થાઓ
- લક્ષણ જણાતા તરત ડોકટરનો સંપર્ક કરો, મોડું કરશો નહીં
અમદાવાદ: ભારતમાં એક વર્ષ અગાઉ કોરોના વાઈરસની પ્રથમ લહેર જોવા મળી હતી. તેને રોકવા સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન આપ્યું હતું પરંતુ એક વર્ષ બાદ હવે સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. તેમાં વાઈરસ વધુ શક્તિશાળી બન્યો છે. ભારતમાં વાઈરસનું ડબલ મ્યુટન્ટ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કોરોના વાઈરસ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
આ પણ વાંચો: જે લોકોને શરદી-ખાંસી નથી તેમને પણ કોરોના થઈ રહ્યો છે: ડૉ. સમીર ગામી
- કોરોનાના આ ડબલ મ્યુટન્ટ સ્વરૂપ પર ETV Bharatએ સિનિયર ફિઝિશિયન પ્રવીણ ગર્ગ સાથે વાત કરી હતી.
1. ભારતમાં કોરોનાના જુના સ્વરૂપ અને નવા સ્વરૂપ વચ્ચે શું ફર્ક છે..?
ગયા વર્ષે લોકડાઉનમાં જે કોરોના વાઈરસ જોવા મળ્યો હતો તે અને આ વર્ષના વાઈરસમાં અંતર છે. ક્લિનિકલ ટ્રાયલમાં જોવા મળ્યું છે કે, એક વ્યક્તિથી સમગ્ર ફેમિલીમાં આ વાઈરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ વાઇરસ ડબલ મ્યુટન્ટ વાળો છે. તેનો ટ્રાન્સફેબિલિટી રેટ 70 ટકાથી વધુ છે.
બાળકો, યુવા, પુખ્ત, વૃદ્ધ અને કો-મોરબીડ એમ દરેક વ્યક્તિમાં આ વાઈરસ પ્રસરી રહ્યો છે. પહેલા આ વાઈરસ વધુ ગીચ શહેરોમાં પ્રસરતો હતો. હવે તે ગામડાં, નગર અને જિલ્લાઓમાં પહોંચ્યો છે.
આ વાઈરસ ફેફસાં પર જલ્દી અસર કરે છે. પહેલાંનો વાઈરસ સંક્રમિત થયાના 5-6 દિવસે ફેફસાં ઉપર અસર કરતો હતો. તે હવે સંક્રમિત થયાના બીજા કે ત્રીજા દિવસે ફેફસાં પર ગંભીર અસર કરવાનું શરૂ કરી દે છે. જેને લઈને શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજનની જરૂર પડે છે. આ સંક્રમણની ઓળખ તરીકે સિટી સ્કેનમાં ન્યુમોનિયા સ્પષ્ટ દેખાઈ આવે છે. જો કે મૃત્યુદર પહેલા જેટલો જ છે પરંતુ સંક્રમણની ઝડપ વધતા તેમાં પણ ઝડપ વધી છે.
2. નવો સ્ટ્રેન કોવિડના એન્ટીજન અને RT-PCR ટેસ્ટમાં પકડવો મુશ્કેલ છે ?
રેપીડ એન્ટીજન ટેસ્ટની સેન્સિટીવીટી 50 ટકા છે. RT-PCR ટેસ્ટની સેન્સિટીવીટી 70 ટકા છે.
ક્લિનિકલ ડાયગ્નોસ્ટિકમાં પ્રથમ RT-PCR ટેસ્ટમાં કોરોના ન પકડાય તો ત્રણથી-ચાર દિવસ બાદ ફરીથી RT-PCR ટેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. તેની ચોક્સાઈ 90 ટકા જેટલી હોય છે. તે દરમિયાન કોરોનાની સારવાર શરૂ કરી દેવામાં આવે છે.
કોરોના ટેસ્ટિંગમાં વાઈરસ ડિટેક્ટ ન થવાનું બીજું કારણ સેમ્પલ કલેક્શનમાં વધતું જતું ભારણ પણ છે. સેમ્પલ કલેક્શન, સેમ્પલ ટ્રાન્સપોર્ટેશન અને ટેસ્ટિંગ એનાલિસિસ યોગ્ય રીતે ન થાય તો ટેસ્ટિંગ સફળ થતું નથી.
એક શક્યતા એવી લાગી રહી છે કે, હાલનો નવો સ્ટ્રેન RT-PCR ટેસ્ટમાં પકડવો મુશ્કેલ થઈ રહ્યો છે પરંતુ તે ફક્ત શક્યતા છે. તેની પર ભારતમાં રિસર્ચ શરૂ થઈ ચૂક્યું છે.
શરદી, ખાંસી, ઝાડા, તાવ જેવાં લક્ષણો હોય તો કોરોના થયો છે. તેમ માનીને જ ચાલવું જોઈએ. ભલે પછી ટેસ્ટ નેગેટિવ આવે. વ્યક્તિએ જાતે આઇસોલેટ થવું જોઈએ. કોરોનાનો રિપોર્ટ તેમજ બ્લડ રિપોર્ટ કઢાવવો જોઈએ. તેમજ 4થી 5 દિવસે ડોક્ટરની સલાહથી સિટી સ્કેન કરાવવો જોઇએ. તેની ચોક્સાઈ 90થી 95 ટકા જેટલી છે.
આ પણ વાંચો: બ્રિટનમાં જોવા મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન કોરોનાથી 70 ટકા વધુ ઘાતક, ભારતમાં અટકાવવા માટેની કવાયત શરૂ
3. કોવિડનું સંક્રમણ અટકાવવા શું કરવું જોઈએ ?
કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોવિડ ગાઈડ લાઈનના યોગ્ય વર્તનની ખાસ જરૂર છે. લોકોમાં આ બીમારીની ગંભીરતા દેખાઈ રહી નથી. કોરોનાના લક્ષણો દેખાતા જ સૌ પ્રથમ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તેમાં સહેજ પણ મોડું કરવું જોઈએ નહીં. સતત ઓક્સિજન લેવલ ચેક કરતા રહેવું જોઈએ. ઘરે તેમજ કામકાજના સ્થળે પૂરતું વેન્ટિલેશન હોવું પણ જરૂરી છે. પ્રાથમિક સ્ટેજ પર ડાયગ્નોસ્ટિક અને ટ્રીટમેન્ટ જરૂરી છે.