ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર દેશમાં કોરોનાને લીધે લોકોના મોત થઈ રહ્યાં છે, ત્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)એ તાજેતરમાં આંકડા જાહેર કર્યાં છે. જેમાં પ્રગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા કંઇક જુદી જ બહાર આવી છે. વાઇબ્રાન્ટ ગુજરાતમાં દરરોજ 22 વ્યક્તિઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યાં છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2019ના અહેવાલ અનુસાર, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં કુલ 7 હજાર 655 લોકોએ વિવિધ કારણોસર આત્મહત્યા કરી છે. આમ, દરરોજ 22 લોકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું રહ્યાં છે. પ્રગતિશીલ અને વાઇબ્રાન્ટ ગુજરાતમાં વિકાસના માત્ર પોકળ દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, આમ, વિકાસશીલ ગુજરાતમાં બેરોજગારી અને ગરીબીને કારણે મોટાભાગના લોકો આત્મહત્યા કરી રહ્યાં છે.
મહત્વનું છે કે, કોરોના લોકડાઉન દરમિયાન પણ આત્મહત્યાના કેસમાં વધારો થયો હતો. જેમાં ડિપ્રેશન અને નોકરી-રોજગારી ન મળવાને કારણે લોકોએ આત્મહત્યા કરી હતી. જો કે, વર્ષ 2019માં પણ કુલ 219 બેરોજગાર લોકોએ મોતને વ્હાલું કર્યું છે, બીજી તરફ 106 લોકોએ માત્ર ગરીબીને કારણે આત્મહત્યા કરી લીધી છે. એકલા અમદાવાદમાં જ કુલ 763 લોકોએ આત્મહત્યા કરી છે. જે પૈકી 539 પુરૂષો અને 224 મહિલા સામેલ છે.
એક કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં સત્તાવાર ચોપડે 4.5 લાખ લોકો શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જેથી વર્ષ 2019માં નોકરી-રોજગારી ન મળવાને કારણે કુલ 219 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. જો કે, નોંધાયેલા ન હોય તેવા શિક્ષિત બેરોજગારોની સંખ્યા 30 લાખથી વધુની છે. સરકાર દાવાઓ કરી છે કે, વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશ-વિદેશથી અબજો રૂપિયાનું રોકાણ આવે છે અને ઉદ્યોગોમાં હજારો લોકોને રોજગારી મળે છે, પરંતુ જમીની હકીકતમાં કંઈક અલગ જ ચિત્ર છતું થાય છે.