- રાજ્યના બહુચર્ચિત સ્વીટી પટેલ મર્ડરના રિકન્સ્ટ્રક્શન દરમિયાન વધુ એક ધડાકો થયો
- બંધ હોટલમાં પાંચ ફૂટનો ખાડો ખોદાવતા અસ્થીના વધુ ટુકડા મળી આવ્યાં
- PI અજયના ઘરના બાથરૂમના મળેલું લોહી માનવનું હોવાનો FSL રિપોર્ટ પોલીસને મળ્યો
અમદાવાદ: સ્વીટી પટેલ કેસ (sweety patel case)માં અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા 11 દિવસની પોલીસ કસ્ટડીમાં છે. અમદાવાદ ક્રાઇમની ટીમે અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજા પાસે મર્ડરની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટાલીની બંધ હોટલમાં પાંચ ફૂટનો ખાડો ખોદાવતા અસ્થીના વધુ ટુકડા મળી આવ્યાં હતાં. બીજી તરફ અજયના ઘરના બાથરૂમમાં મળેલું લોહી માનવનું હોવાનો FSL રિપોર્ટ પોલીસને મળ્યો છે.કરજણમાં પોલીસે અજય દેસાઇ અને અટાલીમાં અજય સાથે કિરીટ સહિત FSLની ટીમ સાથે પોલીસે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી.
અજયે અસ્થીના ટુકડા ખાડો કરીને દાટી દીધાં હતાં
અમદાવાદની ક્રાઇમ અને FSLની ટીમ સાથે અજય દેસાઇને કરજણની પ્રયોશા સોસાયટીના મકાનમાં લવાયો હતો. ગત 4 જુનની રાતે શું બન્યું? બીજા દિવસે અટાલી જઈ લાશ સળગાવવા સહિત મર્ડરનું પ્રતિકારત્મક ચિત્ર પોલીસે ઊભું કરાવ્યું હતું. અટાલીની બંધ હોટલમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન શંકાસ્પદ જગ્યાએ ક્રાઇમની ટીમે ખોદકામ કરાવ્યું હતું. લગભગ પાંચ ફૂટ ખાડો ખોદતા અસ્થીના વધુ ટુકડા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી આવ્યાં હતાં. અજયે અસ્થીના ટુકડા ખાડો કરીને દાટી દીધાં હતાં તેની તપાસ શરૂ થઈ છે.
દ્રશ્યો ઊભા કરવાની સાથે પોલીસે વૈભવ હોટલ ખાતે પણ તપાસ કરી હતી
અગાઉ મળેલા બળેલા હાડકાં સાથે મેચ થાય છે કે નહીં તે માટે ગાંધીનગર FSL મોકલાયા છે. જો માનવ હાડકાં હોવાનું બહાર આવશે તો સ્વીટીના ભાઇ અને પુત્રના DNA સાથે મેચ કરાશે. સ્વીટીના મૃતદેહને કઈ રીતે સળગાવ્યો તેના દ્રશ્યો ઊભા કરવાની સાથે પોલીસે વૈભવ હોટલ ખાતે પણ તપાસ કરી હતી. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળ્યા બાદ બીજા જ દિવસે FSLની ટીમ સાથે કરજણમાં અજય દેસાઇના મકાનમાં સર્ચ કર્યું હતું. FSLની ટીમને સાથે રાખી પોલીસે બાથરૂમમાં તપાસ કરી હતી. વોશ બેસિનની નીચે શંકાસ્પદ પાઇપની ઝિણવટભરી તપાસ થઈ હતી.
રિકન્સ્ટ્રક્શનની ત્રણેક કલાકની કાર્યવાહીની વીડિયોગ્રાફી થઈ હતી
ફ્લોરોસન્ટના છંટકાવ કર્યા બાદ લોહીના નમૂના મળ્યાં હતાં. આ નમૂના માનવ લોહીના હોવાનું FSL તપાસમાં બહાર આવ્યું છે. આ લોહી સ્વીટીનું છે કે નહીં તે માટે તેનું પ્રોફાઇલિંગ કરાશે. ઉલ્લેખનીય છે કે, સહસ્ત્ર પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલી રિકન્સ્ટ્રક્શનની ત્રણેક કલાકની કાર્યવાહીની વીડિયોગ્રાફી થઈ હતી. આ કેસમાં સહ આરોપીની શક્યતા પણ નકારી શકાય નહીં.
પોલીસે FSLની હાજરીમાં ડેમોસ્ટ્રેશન પંચનામુ કર્યું હતું
અજયે ગળુ ક્યા હાથે દબાવ્યું, સ્વીટીની પોઝિશન કઇ હતી, તેને ક્યા કપડા પહેર્યા, બે વર્ષનું બાળક ક્યાં હતું, બ્લેન્કેટ ક્યાંથી લીધો, રૂમમાં શું સ્થિતિ, લાશ કેવી રીતે મુકી, પહેલા માળથી લાશ નીચે ઉતારી કારની ડેકી સુધી કેવી રીતે લવાઈ, તેનું ડેમોસ્ટ્રેશન પોલીસે દેસાઇ પાસે કરાવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ અને FSLની ટીમે આજે PM અજયના ઘરમાં સ્વીટીના જુતા, ચીજવસ્તુઓ અને કપડા સહિત દરેક ખુણો તપાસ્યો હતો. પોલીસે FSLની હાજરીમાં ડેમોસ્ટ્રેશન પંચનામુ કર્યું હતું. હજુ ગાંધીનગરથી SDS, પોલિગ્રાફ અને DNA રિપોર્ટ આવ્યો નથી. રિમાન્ડમાં હવે નવું શું બહાર આવશે ? સ્વીટીબેન ગર્ભવતી હોત તો મને અથવા મારી પત્નીને જાણ કરી દીધી હોઈ. પણ તે અંગે કોઇ વાતચીત થઈ ન હતી. સ્વીટીબેનના પૂર્વ પતિ હેતસ પંડયા સાથે વાત થઈ છે. માતાને ગુમાવનાર બંને છોકરા હાલ ડિપ્રેશનમાં છે.
બંને નોર્મલ થયા બાદ અમે છોકરા સાથે વાત કરીશું: જયદિપ પટેલ, સ્વીટીનો ભાઇ
અજય દેસાઇએ સ્વીટીની લાશ સગેવગે કરવામાં પોતાની જીપ કંપાસ કારનો ઉપયોગ કર્યો હતો.આ કાર અજયના કરજણ સ્થિત મિત્ર અમિત પટેલની હોવાની ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે.સ્વીટી ગર્ભવતી હતી કે નહીં ? તે દિશામાં પણ પોલીસે દેસાઇની પૂછપરછ શરૂ કરી છે. અજય દેસાઇ અને સ્વીટી પટેલનો પુત્ર છે.જ્યારે સામાજીક પત્ની થકી પુત્રી છે.અજયના આ બંને બાળકોની ઉંમર બે વર્ષની આસપાસ છે. સ્વીટી અને સામાજીક પત્ની બંને એક જ સમયે ગર્ભવતી થઈ હોવાનું ચર્ચાઈ રહયું છે. અજય સાથે સતત ઝઘડાને કારણે એક તબક્કે કંટાળેલી સ્વીટીએ ઓસ્ટ્રેલિયા સ્થિત પુત્રો પાસે જવા તૈયાર થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Vadodara PI wife case : સ્વીટી પટેલ કેસનો 51 દિવસે ઉકેલાયો ભેદ, PI પતિ જ નીકળ્યો હત્યારો
ગુનાના સમયે પણ અજયે ફોન સાથે રાખ્યો હોવાની આશંકા
સ્વીટીની હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં અજય દેસાઇની મદદ કરતા કિરીટસિંહ જાડેજા કરજણ હાઇવે પર હોટલનો બિઝનેસ કરે છે. અજય અને કિરીટનું ગત એપ્રિલ મહિનાનું લોકેશન પણ પોલીસ તપાસમાં અટાલી આવ્યું હતું. તે સમયે જમીન મુદ્દે અજયે તેને ત્યાં બોલાવ્યો હોવાનું રટણ કિરીટે પોલીસ સમક્ષ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. અજય દેસાઇએ કિરીટસિંહ જાડેજા સાથે મોટાભાગે વોટ્સએપ કોલથી વધુ સંપર્ક કર્યો હતો.સ્વીટીની લાશ લઈ અજય દેસાઇ અટાલી ગયા ત્યારે તેમને ફોન બંધ કર્યો ન હતો. ફોન બંધ થાય તો પોલીસને શંકા જશે તેવું વિચારી ગુનાના સમયે પણ અજયે ફોન સાથે રાખ્યો હોવાની આશંકા છે.
આ પણ વાંચો: સ્વીટી પટેલ હત્યા કેસ : આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
અવાવરું મકાનોનો દુરુપયોગ અસામાજિક તત્વો કરે તેવી શક્યતા
ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તામાં અનેક અવાવરું શોપીંગ સેન્ટરો અને રહેણાંક મકાનો છે. તેનો દુરુપયોગ અસામાજિક તત્વો કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. દહેજના વિકાસ પર મંદીના પગલે બ્રેક વાગી ગઇ છે તે બાબત સાબિત થઈ રહી છે. સ્વીટીના મૃતદેહને જ્યાં સળગાવવામાં આવ્યો તે અવાવરું અટાલીની હોટલ વેચવાની છે તેવું પાટિયું મારેલું છે. જોકે, આ પાટિયું કટાઇ ગયેલી હાલતમાં હોવાથી ઘણા દિવસો અગાઉ પાટિયું લગાડયું હોય તેવી આશંકા છે. સ્વીટીના મૃતદેહને જ્યાં સળગાવાયો તે બંધ હોટલનું બિલ્ડિંગ ચાર માળનું છે. સિમેન્ટ કોક્રિન્ટનું તૈયાર બિલ્ડિંગ જોતા ત્યાં વૈભવી હોટલ બનાવવાનો પ્લાન હોવાનું ચર્ચાઈ રહયું છે.