- કથાકાર મોરારીબાપુએ બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- ભારતી બાપુને જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી
- સાધુ, સંતો, કથાકારો, નેતાઓ, ઇતિહાસકારો, લોક ગાયકોએ ભારતી બાપુને શ્રદ્ધાંજલિ આપી
અમદાવાદઃ ભારતી આશ્રમના ગાદીપતિ જૂના અખાડાના વરિષ્ઠ સંત ભારતી બાપુના નશ્વર દેહને ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી. સરખેજના આશ્રમમાં બાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થતા તેમને વિધિ-વિધાન સાથે ભારતી બાપુને જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી હતી. ત્યારે સાધુ, સંતો, કથાકારો, નેતાઓ, ઇતિહાસકારો, લોક ગાયકોએ ભારતી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો: મહામંડલેશ્વર ભારતીબાપુને ધાર્મિક વિધિ વિધાન સાથે ભારતી આશ્રમમાં સમાધિ આપવામાં આવી
કથાકાર મોરારીબાપુએ આપી શ્રદ્ધાંજલિ
કથાકાર મોરારીબાપુએ ભારતી બાપુને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, મને હરિદ્વારમાં મારી કથા દરમિયાન ભારતી બાપુ બ્રહ્મલીન થયાના સમચાર મળ્યા. ભારતી બાપુ સાથેનો મારો બહુ જુનો સંબંધ છે. એમનાં ધાર્મિક, સામાજિક અને વિવિધ સેવાકાર્યો માટે જયારે-જયારે બાપુએ મને કહેલું ત્યારે મેં એવાં કર્યો માટે રામકથાઓ યોજેલી છે. એમનો સ્નેહાદર અને સદ્દભાવ મારા તરફ સતત રહ્યો. આપણા સનાતન ધર્મનું મહામંડલેશ્વર જેવું મહત્વનું પદ એમને પ્રાપ્ત થયું હતું. જેને તેઓ શોભાવતા રહ્યા. એમના શિક્ષણ, આશ્રમ અને સામાજિક સેવાનાં પ્રકલ્પો પ્રેરણાદાયી રહ્યા.
સંગીત તરફનો એમનો રસ આદરપાત્ર રહ્યા
મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, ભારતી બાપુ નાનામાં નાના માણસના આમંત્રણ પર તેને ઘેર જવાનું અને સમાજના તમામ વર્ગના લોકો સાથેનો એમનો સંબંધ આપણા માટે શીખવા જેવી બાબત રહી. ભક્તિ સંગીત, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત તરફનો એમનો રસ આદરપાત્ર રહ્યા છે.
આ પણ વાંચો: મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે
આજે આવા ગિરનારી સંત આપણી વચ્ચે નથી !-મોરારીબાપુ
મોરારીબાપુએ ભારતી બાપુ સાથે કરેલી સાધનાને લઇને કહ્યું કે, એ મને એમની સાધના વિષે વાતો કરતા. એમનો સાધનાનો ક્રમ સચવાઈ રહ્યો. આજે આવા ગિરનારી સંત આપણી વચ્ચે નથી ! આવા મહાપુરુષની વિદાયને મારી શ્રદ્ધાંજલિ અને એમની ચેતનાને પ્રણામ કરું છું. એમની સાથે જોડાયેલાં સૌને બળ મળે એવી શ્રી હનુમાનજીના ચરણોમાં મારી પ્રાર્થના. જય સીયારામ.