- માસિક ધર્મ અંગે ચાલતી ભ્રમણાઓ દુર કરવામાં આવે
- હાઈકોર્ટે રાજય સરકારને નિર્દેશિકા બનાવવા માટે કર્યું સૂચન
- રાજ્ય સરકાર નિર્દેશિકાઓના પાલન માટે જરૂરી બજેટ ફાળવે-હાઈકોર્ટ
અમદાવાદ: અગાઉ ભુજની એક શાળા વિદ્યાર્થીનીઓના માસિક ધર્મને લઈ વિવાદમાં પડી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં PIL થતાં કોર્ટ સમક્ષ માસિક ધર્મને લઈ મહિલાઓ સાથે થતાં વ્યવહાર ઉપર ટીકાઓ થઈ હતી. વધુમાં અરજદારની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, માસિક ધર્મના નામે મહિલાઓ કે યુવતીઓને સામાજિક રીતે બહિષ્કૃત કરવી એ યોગ્ય નહીં તેમજ કાયદાની દ્રષ્ટિએ આ પ્રકારે મહિલાઓને અલગ રાખવી એ એક પ્રકારની અસ્પૃશ્યતા છે.
નામદાર કોર્ટનું સરકારને સૂચન
હાઈકોર્ટે સુનાવણી બાદ કેટલાંક પ્રાથમિક તારણોના આધારે રાજય સરકારને નિર્દેશિકા બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. નામદાર કોર્ટે જણાવ્યું હતું કે, માસિક ધર્મ અંગે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં યોગ્ય ચર્ચા અને મંતવ્ય બાદ નિર્દેશિકા જાહેર કરવી યોગ્ય છે.
આ પણ વાંચો: સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસના માસિક ધર્મ અંગેના નિવેદન મામલે કરણી સેનાએ મેદાને
સરકાર માસિક ધર્મ અંગે જાગૃતિ લાવે-હાઈકોર્ટ
હાઈકોર્ટે સુનાવણી બાદ કેટલાંક તારણો નક્કી કર્યા હતા. જેમાં રાજ્ય સરકાર માસિક ધર્મને લઈને મહિલાઓના સામાજિક બહિષ્કાર થવા પર પ્રતિબંધ લગાવે તેમજ હાઈકોર્ટની સુનાવણીના તારણો મુજબ માસિક ધર્મ અંગે સરકાર જાગૃતિ લાવે, માસિક ધર્મ અંગે ચાલતી માનસિકતા અંગે હેલ્થ વર્કર્સ, આંગણવાડી વર્કર્સને પણ જવાબદારી સોંપવામાં આવે અને માસિક ધર્મ અંગે ચાલતી ભ્રમણાઓ દુર કરવામાં આવે. વધુમાં નામદાર કોર્ટે સૂચન કર્યું હતું કે, રાજ્ય સરકાર નિર્દેશિકાઓના પાલન માટે જરૂરી બજેટ પણ ફાળવે.