- સરકારની રણનીતી પ્રમાણે લાંચીયા અધિકારીઓને પકડવાનું બિડુ ACB ઉપાડ્યું
- સ્થળ પર પહોંચીને લાંચ લેતા અધિકારીઓને રંગે પકડવામાં સફળતા મેળવી
- બે દિવસમાં ક્લાસ વન અધિકારીઓ સહિતના લાંચ લેતા ઝડપાયા
ન્યુઝ ડેસ્ક : ગુજરાતમાં ACBની ટીમ છેલ્લા કેટલાય દિવસથી લાંચીયા સરકારી અધિકારીઓ પર નજર રાખીને બેઠી છે. વારંવાર લાંચ અંગેની ફરીયાદો આવતા ACB એ પોતાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા, અનેક વિસ્તારોમાં ફરીયાદોના આધારે પોતાના દ્વારા બનાવેલ પ્લાન મુજબ મૂળ સ્થળ પર પહોંચીને લાંચ લેતા અધિકારીઓને રંગે પકડવામાં સફળતા મેળવી છે.
અમદાવાદમાં રખડતા ઢોર ન પકડવા લાંચ લેતા ઢોર પાર્ટીનો PI કુરેશી ઝડપાયો
અમદાવાદમાં પણ ઢોર રોડ પર અડીંગો જમાવીને બેસેલા હોય છે. આ ઢોરને ગમે ત્યારે પકડી લેવામાં આવે છે અને છોડી દેવાય છે. તો કેટલાક માલિકોના પ્રાણીઓને પકડવામાં આવતા નથી. કોર્પોરેશનનું CNCD વિભાગ કામગીરી કરતું નથી તેવા અનેક સવાલો ઉઠ્યા છે. માત્ર નામની કામગીરી બતાવી અન્ય ગાયો નહિ પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોય છે. ત્યારે ગાયો ન પકડવા માટે તેઓ લાંચ પેટે દર મહિને રુપિયા 10,000ની માંગણી કરે છે. જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે. ઢોર ન પકડવા માટે કુરેશીએ હપ્તા બાંધ્યા હતા. ત્યારે આ મામલે ફરિયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ છટકુ ગોઠવીને કુરેશીને લાંચ લેતા પકડી પાડ્યો હતો. ગઈકાલે સાંજે ACB દ્વારા છટકાનુ આયોજન કરાયુ હતુ, જેમાં એરપોર્ટ સર્કલ પાસે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. PI એફ. એમ. કુરેશી અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાયો છે. કુરેશી પર બળાત્કારના કેસમાં પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. તેમજ તેના પર ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો પણ આરોપ હતો.
ગીર સોમનાથના સુત્રાપાડાનો TDO લાંચ લેતા ઝડપાયો
ગીર સોમનાથ જીલ્લાની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારએ માઝા મુકી હોવાની થઇ રહેલ વ્યાપક ચર્ચા વચ્ચે ઘણા લાંબા સમય પછી ACB એ કાર્યવાહી કરી એક લાંચીયા અઘિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધાનો કીસ્સો સામે આવતા ચકચાર જાગી છે. સુત્રાપાડામાં છેલ્લા એક વર્ષથી તાલુકા વિકાસ અઘિકારી તરીકે ફરજ બજાવતા અઘિકારી અમૃત પરમારે તાલુકાની લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે રૂપિયા પાંચ લાખનું કરેલ કામનું બીલ પાસ કરવા માટે રૂપિયા 50,000 ની લાંચ માંગી હતી. જેને લઇ મંડળીના સંચાલકએ ACB ને ફરીયાદ કરી હતી.
જે માહિતીની ખરાઇ કર્યા બાદ તેના આઘારે જીલ્લા ACBના સ્ટાફે છટકુ ગોઠવ્યુ હતુ. જે મુજબ કાલે બપોરના સમયે કચેરીમાં પીપળવા સહકારી મંડળીનો પ્રતિનિઘિ માંગેલ લાંચની રકમ પેટે રૂપિયા 5,000 આપવા તાલુકા કચેરીએ ગયેલ હતો. જયાં તે TDO અમૃત પરમારને લાંચની રકમ આપી રહેલ ત્યારે જ ACBના સ્ટાફે પહોંચી જઇ અઘિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીઘો હતો. જેના પગલે કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. હાલ આ મામલે ACB એ નિવેદન નોંઘવા અને સર્ચની કામગીરી હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે.
દ્વારકાનો પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા લાખોની લાંચ લેતા ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને ACBએ રૂપિયા 3,00,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારીએ રૂપિયા 3,00,000 લાંચ માગતા ગાંધીનગર ACBની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિહાર બુધાભાઇ ભેટારિયાએ એક વ્યકતીને પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માટે રૂપિયા ૩,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે જે તે વ્યક્તી આવડી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેને ગાંધીનગર ACB ને ફરિયાદ કરી હતી. જેના આધારે ગાંધીનગર ACBની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં દ્વારકા નાયબ કલેક્ટર ભેટારિયા 3,00,000 ની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. ACBની ટીમે અધિકારીની ધરપકડ કરી તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત તેના બેંકના એકાઉન્ટ સહિતનો તાગ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. GAS કક્ષાનો અધિકારી ACBની ટ્રેપમાં સપડાઈ જતા હાલરની બંને સરકારી કચેરીઓમાં આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.
શહેરા તાલુકા વિકાસ અધિકારી સહિત કોન્ટ્રાકટર કર્મીઓ લાખોના લાંચ પ્રકરણમાં પકડાયા
પંચમહાલ જિલ્લાના શહેરામાં સરકારની વિવિધ યોજનામાં કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું મળ્યુ હતું. જેમાં તેણે મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કર્યું હતું. જે પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી રૂ. 2,75,00,000 તથા RRP યોજના હેઠળ રૂપિયા 1,71,00,000ના બિલના ચેક મંજુર થયા હતા. જે પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા TDO ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી.
હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી TDO ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂપિયા 2,45,000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ ACBમાં ફરિયાદ કરી હતી. જેને આધારે બુધવારે ACBએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપ્યા હતાં. રીયાઝ મન્સુરીને શંકા જતા તેણે લાંચની રકમના રૂપિયા ૨,૪૫,000 સ્વીકાર્યા ન હતા, આમ ACB દ્વારા ગોઠવવામાં આવેલા તાલુકા પંચાયત શહેરાના તાલુકા વિકાસ અધિકારી સહીત અન્ય ૩ ક્રમચારીઓ ACB દ્વારા ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં ઝડપાઈ જવા પામ્યા હતા, ઝડપાયેલા તમામને ગોધરા ACB પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Dussehra 2021: ખાદ્યતેલના ભાવ વધારાની અસર જલેબી-ફાફડા પર જોવા મળી, જાણો કેટલો ઝીંકાયો વધારો
આ પણ વાંચો : Happy Birthday Missile Man: ભારતના મિસાઈલ અને પરમાણુ હથિયાર કાર્યક્રમને અભેદ બનાવનારા ડો. કલામને સલામ