- 30 જાન્યુઆરીએ શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે
- તમામ સરકારી સ્કૂલોમાં શહીદોને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ
- બે મિનીટનું મૌન પાળી તમામ કર્મચારીઓ શહીદોને આપશે શ્રદ્ધાંજલિ
અમદાવાદઃ 30મી જાન્યુઆરીએ સવારે 10:59થી 11 વાગ્યા સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તરત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળ પર કામ કરનારા સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઊભા રહી મૌન પાળે, જ્યાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે.
ટ્રેનો અને વિમાનો પણ થોભશે
આ સાથે 11 વાગ્યે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઈ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર 11:02થી 11:03 વાગ્યા સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે. આ સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓએ બહાર પાડવાના રહેશે.
ગાંધીનગરમાં સરકારી ખાતા પણ મૌન પાળશે
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ સચિવાલય, સર્કીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મૂકવામાં આવી છે તે સાયરનો પણ નિર્દિષ્ટ સમયે વગાડવામાં આવશે.