- શહીદ દીને ગાંધી સ્મરણાંજલિ કાર્યક્રમ
- ઝવેરચંદ મેઘાણીના રાષ્ટ્રભક્તિના ગીતોની પ્રસ્તુતિ
- 11 કલાકે સાયરન સાથે શહીદોને મૌનાંજલિ અર્પણ કરાશે
અમદાવાદ: 30 જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન – શહીદ દિન નિમિત્તે, સતત 11માં વર્ષે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ `મેઘાણી@125’ અંતર્ગત એમની જન્મભૂમિ ચોટીલા ખાતે 'ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે’ સ્વરાંજલિ-મૌનાંજલિનો કાર્યક્ર્મ યોજાશે.
મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજન
નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોના સંસ્કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે. આ ગીતોએ આઝાદીની લડતમાં યુવાનોમાં નવું જોમ અને જુસ્સો પૂર્યા હતા. સ્વતંત્રતા આંદોલન વખતે ગુજરાતમાં મેઘાણીના દેશભક્તિ ગીતો લોકોના કંઠેથી ગુંજતા હતા.
મેઘાણીનાં ગીતો સાથે મૌનાંજલિ પણ અપાશે
આ કાર્યક્રમમાં કસુંબીનો રંગ, રક્ત ટપકતી સો સો ઝોળી, શિવાજીનું હાલરડું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રે’જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-ક્ન્યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર મેઘાણી-ગીતો રજૂ થશે. સવારે 11 કલાકે સાયરન વાગતા જ શહીદોને મૌનાંજલિ અર્પણ થશે.
મહાત્માનો ઐતિહાસિક પ્રસંગ
1931માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા મહાત્મા ગાંધી ખૂબ વ્યથિત અને ચિંતિત હતા. તેઓ જાણતા હતા કે, દેશની સ્વતંત્રતાનો પ્રસ્તાવ બ્રિટિશ સરકાર નહિ સ્વીકારે. ઊલટાના અપમાનના કડવા ઘૂંટ પીવા પડશે. ગાંધીજીની આ મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરીને તેમને સંબોધતું કાવ્ય `છેલ્લો કટોરો’ઝવેરચંદ મેઘાણીએ 27 ઑગસ્ટે રાણપુરમાં લખ્યું અને ઊપડતી સ્ટીમરે તે ગાંધીજીને પહોંચાડ્યું. વાંચીને મહાત્મા-મુખેથી ઉદ્ગાર સરી પડ્યો : ‘મારી હાલની સ્થિતિનું આમાં સચોટ વર્ણન છે.’